IPL 2022: પૂર્વ ભારતીય ક્રિકેટરે ગુજરાત ટાઈટન્સની બેટિંગ ક્ષમતાનું વિશ્લેષણ કરી ખામીઓ ગણાવી, જાણો શું કહ્યું
ગુજરાતની બેટિંગમાં સમસ્યા છે. શુભમન ગિલ ઓપનર તરીકે સારો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવાનું હજી બાકી છે. જેસન રોય ગયા પછી મેથ્યુ વેડ તેનો જોડીદાર બની શકે છે.
ગુજરાત ટાઇટન્સ 28 માર્ચે પોતાની પ્રથમ મેચ રમીને IPL રમવાની શરુઆત કરવા જઈ રહ્યું છે. ગુજરાત ટાઈટન્સની ટક્કર પણ આ સીઝનથી પોતાનું ડેબ્યુ કરવા જઈ રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ સાથે થશે. આ મેચના 3 દિવસ પહેલા પૂર્વ ખેલાડી આકાશ ચોપરાએ ગુજરાત ટાઇટન્સની બેટિંગ પર નિવેદન આપ્યું છે. તેણે ગુજરાત ટાઇટન્સની બેટિંગને નબળી ગણાવી છે. તેણે ગુજરાતના સંભવિત બેટિંગ ઓર્ડર પર પણ વાત કરી છે.
આકાશ ચોપરાએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું હતું કે, 'ગુજરાતની બેટિંગમાં સમસ્યા છે. શુભમન ગિલ ઓપનર તરીકે સારો છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જોવાનું હજી બાકી છે. જેસન રોય ગયા પછી મેથ્યુ વેડ તેનો જોડીદાર બની શકે છે. તેની પાસે ઓપનિંગમાં રહેમાનુલ્લા ગુરબાઝના રૂપમાં વિકલ્પ છે પરંતુ મને લાગે છે કે ટીમ મેથ્યુ વેડને મહત્વ આપશે.
આકાશ ચોપરા કહે છે, 'બેટીંગ માટે નંબર 3 પર આવનાર બેટ્સમેન ગુજરાત માટે સમસ્યા છે. વિજય શંકર અને રિદ્ધિમાન સાહા જેવા વિકલ્પો છે. મને લાગે છે કે તે શંકરને ત્રીજા નંબર પર ઉતારશે. આ પછી હાર્દિક પંડ્યાએ ચોથા નંબર પર આવવું પડશે. જો તે આવું નહીં કરે તો તે એક મોટી ભૂલ હશે. ડેવિડ મિલર પાંચમો બેટ્સમેન બની શકે છે.
ગુજરાતની બેટિંગનું વિશ્લેષણ કરતાં આકાશ ચોપરા કહે છે, 'વેડે અત્યાર સુધી ભારતમાં સારું પ્રદર્શન કર્યું નથી. ઈજાગ્રસ્ત થયા બાદ હાર્દિક પંડ્યા હાલમાં જ સાજો થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી તેની બેટિંગ એટલી સારી રહી નથી. ડેવિડ મિલરને તાજેતરમાં થોડી સારી ગતિ મળી છે પરંતુ પાંચ વર્ષ પહેલા તેની બેટીંગ જબરદસ્ત હતી. આશા છે કે તે સારો દેખાવ કરશે.
આકાશ આગળ જણાવે છે કે, 'આ પછી રાહુલ તેવટિયા છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવશે અને પછી અભિનવ સદારંગાની સાતમા નંબરે આવશે. રાશિદ ખાન, યશ દયાલ, મોહમ્મદ શમી અને લોકી ફર્ગ્યુસન નીચલા ક્રમમાં આવશે. ગુજરાતની બેટિંગની ખામી જણાવતાં આકાશ આ ટીમની બોલિંગને મજબૂત હોવાનું કહે છે. તે કહે છે કે, આ ટીમમાં રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન અને મોહમ્મદ શમી જેવા શાનદાર બોલર છે. ગુજરાતની સફળતાનો આધાર આ બોલરોના પ્રદર્શન પર રહેશે.
ગુજરાત ટાઇટન્સની ટીમ: હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, રહેમાનુલ્લા ગુરબાઝ, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાઈ કિશોર, વિજય શંકર, જયંત યાદવ, ડોમિનિક ડ્રાક્સ, દર્શન નાલકાંડે, યશ દયાલ, અલઝારી જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વરુણ એરોન અને બી. સાઈ સુદર્શન.