Asia Cup 2022: નસીમ શાહે ઉર્વશીને ઓળખવાની ના પાડી, હવે ઉર્વશીએ આ જવાબ આપીને કરી સ્પષ્ટતા
બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલના દિવસોમાં તેના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશી એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા પણ આવી હતી.
Asia Cup 2022: બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હાલના દિવસોમાં તેના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને કારણે ચર્ચામાં રહે છે. ઉર્વશી એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા આવી હતી. ત્યારથી ઉર્વશીનું નામ નસીમ શાહ સાથે જોડાઈ રહ્યું છે. પરંતુ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહે એક ઈન્ટરવ્યુમાં ઉર્વશીને ઓળખવાની ના પાડી હતી. નસીમના ચોંકાવનારા નિવેદન બાદ હવે ઉર્વશીએ આ અંગે ખુલાસો કર્યો છે.
પહેલાં ઉર્વશીએ વીડિયો શેર કર્યો
તમને જણાવી દઈએ કે, આ સમગ્ર મામલો ઉર્વશીની એક ઈંસ્ટા સ્ટોરીના વીડિયો બાદ શરુ થયો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ઉર્વશીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પાકિસ્તાની બોલર નસીમનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ઉર્વશી રૌતેલાના ફેન પેજ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં નસીમ મેદાનમાં હસતો જોવા મળ્યો હતો, જ્યારે ઉર્વશી તેની સામે જોઈને શરમાતી જોવા મળી હતી. ઉર્વશીએ નસીમ શાહનો વીડિયો શેર કરતાની સાથે જ તેમના અફેરના સમાચાર વાયરલ થઈ ગયા હતા.
નસીમ શાહે ઉર્વશી અંગે શું કહ્યું?
જ્યારે નસીમ શાહને ઉર્વશી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, "હું ઉર્વશી રૌતેલાને ઓળખતો પણ નથી. તે (ઉર્વશી) કેવા પ્રકારના વીડિયો શેર કરે છે, મને ખબર નથી. મારી પાસે આવી કોઈ યોજના નથી. અત્યારે ફોકસ માત્ર ક્રિકેટ પર છે." ઉર્વશી રૌતેલા વિશે નસીમ શાહનું આ નિવેદન ખુબ વાયરલ થયું હતું.
ઉર્વશીએ હવે શું સ્પષ્ટતા કરી?
નસીમ શાહના નિવેદન બાદ હવે ઉર્વશીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટતા કરી છે. ઉર્વશીએ તેની પોસ્ટમાં લખ્યું છે કે, "થોડા દિવસો પહેલાં મારી ટીમે કેટલાક ફેન્સ દ્વારા બનાવાયેલા એડિટ વીડિયો શેર કર્યા હતા. ટીમે તેને અન્ય લોકોની જાણ વગર શેર કર્યા હતા. મીડિયાને વિનંતી છે કે આ અંગે કોઈ સમાચાર ન બનાવો. આપ સૌનો આભાર અને ખૂબ પ્રેમ."
ઉર્વશી રૌતેલાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નસીમ શાહનું નામ લીધું નથી. પરંતુ અભિનેત્રીએ નસીમ શાહના નિવેદન બાદ જ આ પોસ્ટ શેર કરી છે. એટલા માટે માનવામાં આવે છે કે ઉર્વશીએ નસીમ શાહ સાથે વીડિયો શેર કર્યા બાદ જ સ્પષ્ટતા કરી છે.