BCCI Media Rights: આ કંપનીને મળ્યા BCCIના મીડિયા રાઈટ્સ, જાણો કોણે મારી બાજી
BCCI Media Rights: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મીડિયા રાઈટ્સ રિલાયન્સ ગ્રુપના વાયકોમ 18 એ આગામી 5 વર્ષ માટે પોતાના નામે કર્યા છે.
BCCI Media Rights: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મીડિયા રાઈટ્સ રિલાયન્સ ગ્રુપના વાયકોમ 18 એ આગામી 5 વર્ષ માટે પોતાના નામે કર્યા છે. BCCI દ્વારા સપ્ટેમ્બર 2023 થી માર્ચ 2028 દરમિયાન નવા ચક્ર માટે મીડિયા અધિકારોની હરાજી હાથ ધરવામાં આવી હતી. ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, વાયકોમ 18 એ આ રાઈટ્સ જીત્યા છે. તેણે પોતાની બોલી વડે આ રેસમાં ચાલી રહેલા ડિઝની-સ્ટાર, સોની પિક્ચર્સ નેટવર્કને પછાડી દીધા છે.
આ અગાઉ, ટીમ ઈન્ડિયાની ઘરઆંગણાની મેચોના પ્રસારણના અધિકારો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પાસે હતા, જે છેલ્લા 11 વર્ષથી સતત આ અધિકારો ધરાવતું હતું. હવે વાયકોમ 18એ તેમને પછાડીને ડિજિટલ તેમજ ટીવીના અધિકારો મેળવી લીધા છે. આ અંગે ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, વાયકોમે એક મેચ માટે 67.8 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, જે ગત વખત કરતા 7.8 કરોડ રૂપિયા વધુ છે.
સપ્ટેમ્બર મહિનામાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરઆંગણે રમાનારી વનડે સીરિઝથી શરૂ થનારા આ કરારમાં વાયકોમ 18ને આગામી 5 વર્ષમાં ટીમ ઈન્ડિયાની 88 આંતરરાષ્ટ્રીય મેચો બતાવવાની તક મળશે. આ કોન્ટ્રાક્ટ માર્ચ 2028માં સમાપ્ત થશે. હવે ટીમ ઈન્ડિયાની હોમ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio સિનેમા એપ પર થશે.
વાયકોમ પાસે ભારતમાં આ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પ્રસારણ કરવાનો અધિકાર છે
આગામી 5 વર્ષ માટે BCCI પાસેથી મીડિયા અધિકારોના સંપાદન સાથે, Viacom18 પાસે હવે ઘણી વધુ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પ્રસારણ કરવાના અધિકારો છે. તેની પાસે IPL, ટીવી અને વિમેન્સ પ્રીમિયર લીગના ડિજિટલ પ્રસારણ અધિકારો, વર્ષ 2024થી ભારતમાં દક્ષિણ આફ્રિકાની ઘરઆંગણાની મેચોના પ્રસારણ અધિકારો, રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ, દક્ષિણ આફ્રિકા T20, NBA, શ્રેણી Aના પ્રસારણ અધિકારો છે.
Viacom has won the TV & digital rights of India home matches. [@KShriniwasRao] pic.twitter.com/1DQPOg0SNf
— Johns. (@CricCrazyJohns) August 31, 2023
BCCI મીડિયા અધિકાર પેકેજ
પેકેજ A: ટેલિવિઝન અધિકારો 20 કરોડ રૂપિયા પ્રતિ ગેમ (ભારતીય ઉપખંડ)
પેકેજ B: ડિજિટલ અધિકાર રૂપિયા 25 કરોડ પ્રતિ ગેમ (ભારત અને બાકીના દેશો)
ડિઝની સ્ટારે છેલ્લે 2018માં 60 કરોડ રૂપિયામાં મેચના મીડિયા અધિકારો મેળવ્યા હતા. જોકે, આ વખતે કંપનીઓએ ટેન્ડરમાં ઓછો રસ દર્શાવ્યા બાદ બીસીસીઆઈએ તેની કિંમત ઘટાડીને 45 કરોડ રૂપિયા કરી દીધી છે. જો કે, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથેની હાઈ-પ્રોફાઈલ રમતોને ધ્યાનમાં રાખીને, બીસીસીઆઈને મોટી બોલીની અપેક્ષા હતી. ભારત આગામી ચક્રમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે 39 મેચ રમશે.