Cricket Rules : ફ્રી હિટ અને હેલ્મેટ પહેરવાના નિયમમાં કરાયા મોટા ફેરફાર
'સોફ્ટ સિગ્નલ'નો ઉપયોગ મુશ્કેલ કેચની માન્યતા નક્કી કરવા માટે કરવામાં આવતો હતો. નરી આંખે આવા કેચની પુષ્ટિ કરી શકાતી નથી.
Sourav Ganguly Committee : ICC ક્રિકેટ કમિટીએ રમતના ઘણા બધા નિયમોમાં ફેરફાર કર્યા છે. હવે બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની સમિતિએ મેદાન પરના અમ્પાયરો દ્વારા આપવામાં આવેલા 'સોફ્ટ સિગ્નલ'ને દૂર કરી દીધા છે. આ ઉપરાંત ફ્રી હિટના નિયમમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. તો હેલ્મેટ પહેરવાના નિયમમાં બદલાવ લાવવામાં આવ્યો છે.
'સોફ્ટ સિગ્નલ'નો ઉપયોગ મુશ્કેલ કેચની માન્યતા નક્કી કરવા માટે કરવામાં આવતો હતો. નરી આંખે આવા કેચની પુષ્ટિ કરી શકાતી નથી. આઈસીસીના નિયમો અનુસાર, જ્યારે કોઈ નિર્ણય અંગે શંકા હોય ત્યારે મેદાન પરના અમ્પાયર થર્ડ અમ્પાયરની મદદ લે છે. આ દરમિયાન તેણે ત્રીજા અમ્પાયરને પોતાનો નિર્ણય પણ સંભળાવે છે. તેને સોફ્ટ સિગ્નલ કહેવામાં આવે છે.
અત્યાર સુધી મેદાન પરના અમ્પાયરો આ પ્રકારના પ્રસંગોએ સોફ્ટ સિગ્નલના રૂપમાં 'આઉટ' અથવા 'નોટ આઉટ'નો ઈશારો કરતા હતા. ઓન-ફીલ્ડ અમ્પાયર તરફથી મળતા સોફ્ટ સિગ્નલનો થર્ડ અમ્પાયર પર ઘણી અસર પડે છે. જ્યારે તે કોઈ નિર્ણય પર પહોંચી શકતો નથી, ત્યારે તે માત્ર સોફ્ટ સિગ્નલની મદદ લે છે. CECએ સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની મેન્સ ક્રિકેટ સમિતિ અને મહિલા ક્રિકેટ સમિતિની ભલામણોને મંજૂરી આપ્યા બાદ ICCએ 'પ્લેઇંગ કંડીશન'માં ફેરફારની જાહેરાત કરી હતી.
ICC અને ગાંગુલીએ શું કહ્યું?
આઈસીસીએ કહ્યું છે કે, "મોટા ફેરફારોમાં સોફ્ટ સિગ્નલને નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. ઓન-ફીલ્ડ અમ્પાયરોએ નિર્ણયની જાહેરાત કરતી વખતે ટીવી અમ્પાયરને સોફ્ટ સિગ્નલ આપવાની જરૂર નથી. ઓન-ફિલ્ડ અમ્પાયર કોઈપણ નિર્ણય લેતા પહેલા ટીવી અમ્પાયરની સલાહ લેશે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ગાંગુલીએ જણાવ્યું હતું કે, વર્ષોથી ક્રિકેટ સમિતિની અગાઉની બેઠકોમાં સોફ્ટ સિગ્નલ પર ચર્ચા કરવામાં આવી છે. સમિતિએ તેના પર વિગતવાર ચર્ચા કરી અને નિષ્કર્ષ પર આવ્યો કે, સોફ્ટ સિગ્નલ બિનજરૂરી હતા. કેટલીકવાર ગૂંચવણમાં મૂકે છે. કારણ કે કેચ માટેના રેફરલ્સ રિપ્લેમાં અનિર્ણિત લાગી શકે છે.
હેલ્મેટ અંગે નવા નિયમો
અન્ય મોટી જાહેરાતોમાં વધારે જોખમવાળા વિસ્તારોમાં ફિલ્ડિંગ કરતી વખતે હેલ્મેટ ફરજિયાત બનાવવાનો સમાવેશ થાય છે. જ્યારે બેટ્સમેન ફાસ્ટ બોલરોનો સામનો કરશે ત્યારે હેલ્મેટ ફરજિયાત રહેશે. આ સિવાય જ્યારે વિકેટકીપર સ્ટમ્પની નજીક ઊભો હોય અને પછી કોઈ ફિલ્ડર બેટ્સમેનની સામે ઊભો હોય ત્યારે હેલ્મેટ પહેરવું પડશે. ગાંગુલીએ કહ્યું હતું કે, અમે ખેલાડીઓની સુરક્ષા અંગે પણ ચર્ચા કરી, જે અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમિતિએ નિર્ણય લીધો કે, ખેલાડીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમુક પરિસ્થિતિઓમાં હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત બનાવવો સારી બાબત છે.
'ફ્રી હિટનો નવો નિયમ'
ફ્રી હિટના નિયમમાં નજીવો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે બોલ સ્ટમ્પ સાથે અથડાશે ત્યારે ફ્રી હિટ પર બનાવેલા કોઈપણ રનને હવેથી બનાવેલા રન તરીકે ગણવામાં આવશે. આનો અર્થ એ થશે કે, જો બેટ્સમેન ફ્રી હિટ પર બોલ્ડ થાય તો પણ તે રન લઈ શકે છે. ICC દ્વારા તમામ નવા ફેરફારો 1 જૂન, 2023થી અમલમાં આવશે. ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચેની લોર્ડ્સ ટેસ્ટમાં પ્રથમ વખત આ નિયમો અજમાવવામાં આવશે. આ ચાર દિવસીય ટેસ્ટ મેચ હશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી શરૂ થનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ આ નિયમોનો ઉપયોગ કરવામાં આવશે.