વોર્મ-અપ મેચમાં વિરાટની બેટિંગ જોવા માટે ટેણિયાએ કર્યું આ કારસ્તાન, ફોટો થયો વાયરલ
ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સીરીઝની બાકી રહેલી એક મેચ રમશે.
Virat Kohli Viral Poster: ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ સામે 5 મેચોની ટેસ્ટ સીરીઝની બાકી રહેલી એક મેચ રમશે. આ ટેસ્ટ મેચ પહેલાં અત્યારે ભારતીય ટીમ ગ્રેસ રોસ ગ્રાઉન્ડમાં લેસેસ્ટરશાયર સામે અભ્યાસ મેચ રમી રહી છે. આ મેચ દરમિયાન એક ટેણિયાનું પોસ્ટર ખુબ વાયરલ થઈ રહ્યું છે. ભારત અને લેસેસ્ટરશાયર વચ્ચે રમાઈ રહેલી આ પ્રેક્ટિસ મેચ જોવા આવેલા છોકરાએ પોતાના પોસ્ટરમાં લખ્યું છે કે, "વિરાટ કોહલીને જોવા માટે તે પોતાની સ્કૂલ નથી ગયો."
મેચ જોવા આવેલા ટેણિયાનું પોસ્ટર વાયરલઃ
ભારત અને લેસેસ્ટરશાયર વચ્ચેની પ્રેક્ટિસ મેચ જોવા આવેલા છોકરાનું પોસ્ટર સોશિયલ મીડિયા પર ઘણુ વાયરલ થઈ રહ્યું છે. કોહલીની બેટિંગ જોવા માટે પોતાની શાળામાં ના જઈને મેચ જોવા આવેલા આ છોકારાનો કોહલી પ્રત્યેનો લગાવ સમજી શકાય છે. મહત્વનું છે કે, મેચ જોવા આવતા દર્શકો અવાર-નવાર પોતાના મનગમતા ખેલાડી માટે આવા પોસ્ટર લઈને સ્ટેડિયમમાં પહોંચતા હોય છે. આવા રમૂજી પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે.
Young Virat Kohli fan watching the warm-up match. pic.twitter.com/cvroYjRoCi
— Johns. (@CricCrazyJohns) June 23, 2022
વરસાદને કારણે મેચ અટકીઃ
હાલમાં વરસાદના કારણે રમત અટકી પડી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતી ભારતીય ટીમ 28 ઓવર પછી 5 વિકેટ ગુમાવીને માત્ર 90 રન બનાવી શકી હતી. હાલમાં વિરાટ કોહલી 9 રન બનાવીને રમી રહ્યો છે જ્યારે એસ.ભરત (S. Bharat) 6 રન બનાવીને ક્રિઝ પર છે. કેપ્ટન રોહિત શર્માએ 47 બોલમાં 25 રન બનાવ્યા જ્યારે શુભમન ગિલે 21 રનનું યોગદાન આપ્યું. તે જ સમયે, હનુમા વિહાર 3 જ્યારે શ્રેયસ અય્યર ઝીરો રન બનાવીને આઉટ થયા હતા. આ સિવાય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 13 રન બનાવ્યા હતા.