(Source: ECI/ABP News/ABP Majha)
World Cup: પાકિસ્તાન હજુ પણ પહોંચી શકે છે સેમિ ફાઇનલમાં, જાણો ટીમે શું કરવું પડશે ?
આ વર્લ્ડકપમાં પાકિસ્તાને અત્યાર સુધી 6 મેચો રમી છે અને માત્ર 2 જીત્યા બાદ તેને 4 પૉઈન્ટનો છે. હવે પાકિસ્તાને વધુ 3 મેચ રમવાની છે.
ICC Cricket World Cup 2023: આઇસીસ વર્લ્ડકપ 2023માં અત્યારે પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલત એકદમ કફોડી બની ગઇ છે. ટીમે પોતાની પ્રથમ બે મેચ જીતી હતી, પરંતુ તે પછી સતત ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે અને હવે તેનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું લગભગ ચકનાચૂર થઈ ગયું છે. ગઇરાત્રે પાકિસ્તાનની ચોથી હાર દક્ષિણ આફ્રિકા સામે થઈ છે, આ સાથે જ પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી ગઇ છે, અને ટીમને ટાર્ગેટ કરવામાં આવી રહી છે.
આ વર્લ્ડકપમાં પાકિસ્તાને અત્યાર સુધી 6 મેચો રમી છે અને માત્ર 2 જીત્યા બાદ તેને 4 પૉઈન્ટનો છે. હવે પાકિસ્તાને વધુ 3 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ હજુ પણ સેમીફાઈનલમાં પહોંચી શકશે કે કેમ તે પ્રશ્ન છે. આ સવાલનો જવાબ છે કે હજુ પણ પાકિસ્તાની ટીમે સેમિ ફાઇનલમાં પહોંચી શકે છે. આ માટે કેટલાક સમીકરણો છે. જાણો કઇ રીતે....
સેમિ ફાઇનલમાં આ રીતે પહોંચી શકે છે પાકિસ્તાની ટીમ -
હાલમાં, પાકિસ્તાન 4 પૉઈન્ટ સાથે પૉઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે અને તેનો નેટ રન રેટ -0.387 છે.
હવે પાકિસ્તાને સેમિ ફાઈનલમાં જવાની કોઈ આશા જાળવી રાખવા માટે બાકીની ત્રણ મેચ જીતવી પડશે.
જોકે, જો પાકિસ્તાન આગામી ત્રણમાંથી ત્રણેય મેચ જીતી જાય તો પણ તેના મહત્તમ પૉઈન્ટ માત્ર 10 જ રહેશે અને તે પછી પણ તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
આ ઉપરાંત પાકિસ્તાને આગામી ત્રણ મેચ સારા માર્જિનથી જીતવી પડશે જેથી દરેક મેચમાં તેનો નેટ રન રેટ સુધરે.
જોકે, પાકિસ્તાન માટે આગળનો રસ્તો સરળ નથી. પાકિસ્તાનનો આગામી મુકાબલો બાંગ્લાદેશ સામે થશે અને ત્યાર બાદ તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે થશે.
હાલમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ પૉઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જેમના દસ પૉઈન્ટની સાથે +2.032 નો બેસ્ટ નેટ રન રેટ પણ છે. તેના ભારતીય ટીમ બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધી પાંચમાંથી તમામ પાંચ મેચ જીતી છે અને 10 પૉઈન્ટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને ન્યૂઝીલેન્ડની ટીમ છે, જેણે 5માંથી 4 મેચ જીતીને 8 પૉઈન્ટ મેળવ્યા છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાની ટીમ ચોથા સ્થાન પર છે જેણે અત્યાર સુધી 6 પૉઈન્ટ મેળવ્યા છે.