ICCની એલીટ પેનલમાં ભારતના આ દિગ્ગજ એમ્પાયરને મળ્યું સ્થાન, પેનલના એકમાત્ર ભારતીય એમ્પાયર બન્યા
આ મહિનાના અંતમાં પહેલી વખત શ્રીલંકામાં એક તટસ્થ એમ્પાયર રુપે પોતાની સેવાઓ આપશે.
International Cricket Council: ભારતના ક્રિકેટ એમ્પાયર નિતિન મેનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એલીટ પેનલમાં પોતાનું સ્થાન યથાવત રાખ્યું છે. નિતિન મેનન આ મહિનાના અંતમાં પહેલી વખત શ્રીલંકામાં એક તટસ્થ એમ્પાયર રુપે પોતાની સેવાઓ આપશે. ભારતીય ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, આઈસીસીએ નિતિન મેનનનું નામ એલીટ પેનલમાં એક વર્ષ માટે વધારી દીધું છે.
ઈંદોરના રહીશ છે નિતિન મેનનઃ
38 વર્ષીય નિતિન મેનન ઈંદોરના છે અને તેઓ એલીટ પેનલના 11 સભ્યોમાં એકલા ભારતીય છે. બીસીસીઆઈના (BCCI) અધિકારીએ કહ્યું કે, આઈસીસીએ હમણાં જ મેનનનો કાર્યકાળ એક વર્ષ માટે વધારી દીધો છે. નિતિન મેનન છેલ્લા ત્રણ-ચાર વર્ષોથી અમારા મુખ્ય એમ્પાયર રહ્યા છે. તેઓ આ મહિનાના અંતમાં એક તટસ્થ એમ્પાયરના રુપમાં ડેબ્યુ કરશે.
2020માં જોડાયા હતા નિતિન મેનનઃ
નિતિન મેનનને 2020માં કોરોના મહામારીની શરુઆતમાં એલીટ પેનલમાં લેવામાં આવ્યા હતા. તેઓ એસ. વેંકટરાઘવન અને એસ. રવિ બાદ એલીટ પેનલમાં જોડાનારા ત્રીજા ભારતીય એમ્પાયર બન્યા હતા. જો કે, એલીટ પેનલમાં આવ્યા બાદ નિતિન મેનન ફક્ત ભારતમાં જ આંતરરાષ્ટ્રીય મેચોમાં એમ્પાયરિંગ કરી શક્યા હતા કારણ કે, ICCએ સ્થાનિક એમ્પાયરોના પ્રવાસ પર પ્રતિબંધ મુક્યો હતો સ્થાનિય મેચોમાં એમ્પાયરિંગ માટે મંજુરી આપી હતી. ત્યારે હવે કોરોના કેસ ઓછા થયા હોવાથી નિતિન મેનન શ્રીલંકામાં આયોજીત મેચોમાં એમ્પાયરિંગ કરીને એક તટસ્થ એમ્પાયરના રુપે ડેબ્યુ કરશે.
પેનલમાં કોઈ ફેરફાર નથી કરાયોઃ
એલિટ પેનલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મેનન ઉપરાંત તેમાં પાકિસ્તાનના અલીમ ડાર, ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફની, શ્રીલંકાના કુમારા ધર્મસેના, દક્ષિણ આફ્રિકાના મેરાઈસ ઈરાસ્મસ, ઈંગ્લેન્ડના માઈકલ ગફ, રિચર્ડ ઈલિંગવર્થ અને રિચર્ડ કેટલબરોનો સમાવેશ થાય છે. આ સિવાય ઓસ્ટ્રેલિયાના પોલ રીફેલ અને રોડ ટકર અને વેસ્ટ ઈન્ડિઝના જોએલ વિલ્સનનો પણ એલિટ ગ્રુપમાં સમાવેશ કરવામાં આવ્યો છે.