R Ashwin: આર અશ્વિન માટે વર્લ્ડકપનો ખુલ્યો દરવાજો, 20 મહિના બાદ થઈ વાપસી, ઓસ્ટ્રેલિયા સીરિઝમાં સાબિત કરવો પડશે દમ
આર અશ્વિન તેની અંતિમ વન ડે 21 જાન્યુઆરી, 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ભારતીય ટીમમાં અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની વાપસી થઈ છે અને ભારતનું સ્પિન એટેક મજબૂત થયું છે. વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ આ શ્રેણીની પ્રથમ 2 મેચમાં ટીમનું નેતૃત્વ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયાનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ભારત-ઓસ્ટ્રેલિયા શ્રેણીની પ્રથમ 2 મેચમાં નહીં રમે. આ સિવાય વિરાટ કોહલીને પણ આરામ આપવામાં આવ્યો છે.
જોકે, એવું માનવામાં આવે છે કે ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં તેની વાપસી બાદ રવિ અશ્વિન માટે વર્લ્ડ કપના દરવાજા ખુલી ગયા છે. જોકે, આર અશ્વિન માટે વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશ આસાન નહીં હોય. વર્લ્ડ કપની ટીમમાં પ્રવેશવા માટે અશ્વિને ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં જોરદાર પ્રદર્શન કરવું પડશે. આ પહેલા ભારતીય ટીમે એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. અશ્વિન ભારતીય એશિયા કપ ટીમનો ભાગ નહોતો.
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 મેચ માટે ભારતીય ટીમ-
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, તિલક વર્મા, પ્રસિદ્ધ કૃષ્ણ, રવિ અશ્વિન અને વોશિંગ્ટન સુંદર.
શ્રેણીની પ્રથમ વનડે મોહાલીમાં રમાશે
ભારત ઓસ્ટ્રેલિયા વનડે શ્રેણીની પ્રથમ મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે. આ શ્રેણીની બીજી મેચ 24 સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે. જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયા વનડે સિરીઝની છેલ્લી મેચ 27 સપ્ટેમ્બરે રાજકોટમાં રમાવાની છે. ત્રણેય મેચો ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યાથી રમાશે.
વર્લ્ડકપ પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા સીરીઝ ઘણી મહત્વની
આ પછી ICC ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. વર્લ્ડ કપનું આયોજન ભારતની ધરતી પર થવાનું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ 5મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત ઓસ્ટ્રેલિયા સામેની મેચથી કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં મેચ રમાશે.
આર અશ્વિનનો કેવો છે દેખાવ
આર અશ્વિને અત્યાર સુધીમાં ભારત તરફથી 113 વન ડે રમી છે. જેમાં 151 વિકેટ ઝડપી છે. 25 રનમાં 4 વિકેટ તેનો શ્રેષ્ઠ દેખાવ છે. જ્યારે બેટિંગમાં તેનો સર્વોચ્ચ સ્કોર 65 રન છે. આર અશ્વિન તેની અંતિમ વન ડે 21 જાન્યુઆરી, 2022ના રોજ સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો.