IND vs ENG 1st Test: 20 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ વિદેશમાં બનાવ્યો આ રેકોર્ડ
ભારતના પેસ એટેક સામે અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી. જો રૂટને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબો સમય પીચ પર ટકી શક્યા નહોતા.
IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. જોકે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટનો આ ફેંસલો ફળ્યો નહોતો અને ભારતના પેસ એટેક સામે અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી. જો રૂટને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબો સમય પીચ પર ટકી શક્યા નહોતા.
ઈંગ્લેન્ડે અંતિમ 7 વિકેટ 45 રનમાં ગુમાવી
બુમરાહે 46 રનમાં ચાર અને શમીએ 28 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 65.4 ઓવરમાં 183 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 64 રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે આખરી સાત વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી હતી. પુંછડિયા બેટ્સમેનો ખાસ ટકી શક્યા નહતા. સેમ કરને અણનમ 27 રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડ ઓલાઉટ થવાની સાથે જ ભારતે વિદેશની ધરતી પર રમતી વખતે ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
20 વર્ષ બાદ બનાવ્યો રેકોર્ડ
ભારતે 20 વર્ષ બાદ હરિફ ટીમને તેમના જ ઘરઆંગણે ટેસ્ટના પ્રથમ દિવસે ઓલઆઉટ કરવાની સિદ્ધી મેળવી હતી અને ત્રીજા નંબરનૌ સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. 1977-78માં ભારતે ઓસ્ટ્રેલિયાને 166 રનમાં તંબુ ભેગું કરી દીધું હતું. જે બાજ 2001માં ઝીમ્બાબ્બેને 173 રનમાં ખખડાવ્યું હતું. અને 2021માં ઈંગ્લેન્ડને 183 રનમાં ઓલાઉટ કર્યું હતું.
પ્રથમ દિવસે ભારતે કેટલા બનાવ્યા રન
ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 13 ઓવરમાં વિના વિકેટે 21 રન કર્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલ 9-9ના સ્કોર પર ક્રિઝ પર હતા. પ્રથમ દિવસના અંતે ભારત ઈંગ્લેન્ડથી હજુ 162 રન પાછળ છે.
મેચ દરમિયાન કયા ભારતીય ખેલાડીનું ઉતરી ગયું પેન્ટ
ઈંગ્લેન્ડની ટીમ બેટિંગ કરતી હતી ત્યારે બેટ્સમેને ફટકારેલો શોટ રોકવાના પ્રયાસમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર ફિલ્ડર રવિન્દ્ર જાડેજાએ ડાઈવ લગાવી હતી. આ દરમિયાન તેનું પેંટ ઉતરી ગયું હતું.