(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: ડેવિડ મલાને રચ્યો ઈતિહાસ, બાબર આઝમને પછાડી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
પાંચમી ટી20 મેચમાં મલાને 46 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેની સાથેજ ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.
IND vs ENG: ભારત વિરુદ્ધ શનિવારે રમાયેલી પાંચમી અને અંતિમ ટી20 મેચમાં ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડર બેટ્સમેન ડેવિડ મલાને ઈતિહાસ રચી દીધો છે. ડેવિડ મલાને ટી20 મેચમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 46 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ્સ રમનાર ડેવિડ મલાને હવે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.
મલાને 24મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અગાઉ આ રેકોર્ડ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના નામે હતો. બાબરે 26 મેચોમાં આ કારનામું કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 27 મી ઇનિંગમાં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1000 રનનો આંકડો પાર કર્યો હતો.
માલનના નામે હવે 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 50.15 ની સરેરાશ અને 144.32 ના સ્ટ્રાઇક રેટથી 1003 રન નોંધાઈ ચૂક્યા છે. જેમાં 10 અડધી સદી અને એક સદી ફટકારી છે. ટી 20 આંતરરાષ્ટ્રીય મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર 103 રન છે. તેણે મે, 2019 માં આયર્લેન્ડ સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેરિયરની શરુઆત કરી હતી.
ભારતે આ રીતે જીતી પાંચમી ટી20 મેચ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર જીત મેળવી હતી. ભારતે ઈંગ્લેન્ડને 36 રનથી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. ટી20 ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની આ સતત છઠ્ઠી શ્રેણીની જીત છે. ભારતે 20 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 224 રન બનાવ્યા હતા. 225 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 188 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 68 રન અને બટલરે 52 રન બનાવ્યા હતા.
ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. ભારત માટે રોહિત શર્મા 64, વિરાટ કોહલી 80, સૂર્યકુમાર યાદવ 32, હાર્દિક પંડ્યાએ અણનમ 39 રન બનાવ્યા હતા.