(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: પ્રથમ ટેસ્ટમાં જ બુમરાહ દંડાયો, મેદાન પર ખરાબ હરકત કરવા બદલ ICCએ ફટકાર્યો આટલો દંડ, જાણો
ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝની શરૂઆતની મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને મોટો આંચકો લાગ્યો છે
Jasprit Bumrah: ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરીઝની શરૂઆતની મેચમાં 28 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહને મોટો આંચકો લાગ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે જસપ્રીત બુમરાહ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. હૈદરાબાદ ટેસ્ટ મેચના ચોથા દિવસે જસપ્રીત બુમરાહે મોટી ભૂલ કરી હતી.
ICC એ જસપ્રીત બુમરાહ પર લીધી મોટી એક્શન -
ભારતીય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ICC આચાર સંહિતાના લેવલ 1 નો ભંગ કરવા બદલ સત્તાવાર રીતે ઠપકો આપવામાં આવ્યો છે. ICCએ તેને એક ડીમેરિટ પોઈન્ટ આપ્યો છે અને તેની મેચ ફીમાં 50% ઘટાડો કર્યો છે. જસપ્રીત બુમરાહે ICC આચાર સંહિતાની કલમ 2.12નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું, જે ખેલાડી, એમ્પાયર, મેચ રેફરી અથવા અન્ય કોઈ વ્યક્તિ સાથે અયોગ્ય શારીરિક સંપર્ક સાથે સંબંધિત છે, એટલે કે મેદાન પર બુમરાહે ખરાબ રીતે હરકત કરી હતી.
જસપ્રીત બુમરાહે રોક્યો હતો ઓલી પૉપનો રસ્તો -
આ ઘટના ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 81મી ઓવરમાં બની હતી. જ્યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે તે દોડવા જઈ રહ્યો હતો ત્યારે તેના પર ઈરાદાપૂર્વક ઓલી પૉપના માર્ગમાં પગ મૂકવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે અયોગ્ય શારીરિક સંપર્ક થયો હતો. 24 મહિનામાં બુમરાહની આ પહેલી ભૂલ હતી. તેથી તેના રેકોર્ડમાં એક ડીમેરિટ પોઈન્ટનો ઉમેરો થયો છે.
બુમરાહે સ્વીકારી પોતાની ભૂલ
આ આરોપ ઓન-ફીલ્ડ એમ્પાયર પોલ રિફેલ અને ક્રિસ ગેફની, થર્ડ એમ્પાયર મેરાઈસ ઈરાસ્મસ અને ફૉર્થ એમ્પાયર રોહન પંડિતે લગાવ્યો હતો. લેવલ 1ના ઉલ્લંઘનમાં સામાન્ય રીતે સત્તાવાર ઠપકોનો લઘુત્તમ દંડ, ખેલાડીની મેચ ફીના 50 ટકા મહત્તમ દંડ અને એક કે બે ડિમેરિટ પોઈન્ટ હોય છે. બુમરાહે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરીની અમીરાત ICC એલિટ પેનલના રિચી રિચર્ડસન દ્વારા તેના પર લાદવામાં આવેલ દંડ સ્વીકાર્યો છે, તેથી કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર નથી.
IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં ઇગ્લેન્ડનો 28 રનથી વિજય, ભારતના બેટ્સમેનો ઘૂંટણીયે પડ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ ઈંગ્લેન્ડે 28 રને જીતી લીધી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 246 રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે 436 રન કર્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી. ઇંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારતને 28 રને હરાવ્યું છે. આ મેચમાં ચોથા દિવસની શરૂઆત સુધી ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં હતી પરંતુ છેલ્લા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર બોલિંગ કરી અને મેચ જીતી લીધી હતી. ઇંગ્લેન્ડે આ મેચ 190 રનથી પાછળ રહીને જીતી લીધી હતી. ઈંગ્લેન્ડની આ ઐતિહાસિક જીતના હિરો ઓલી પોપ હતો, જેણે બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા અને ટોમ હાર્ટલી જેણે બીજી ઈનિંગમાં સાત વિકેટ લીધી હતી. ભારતીય ટીમ તેની છેલ્લી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે હારી ગઈ હતી. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને પ્રથમ દાવમાં 246 રન બનાવ્યા. જવાબમાં ભારતે 436 રન બનાવ્યા હતા અને 190 રનની લીડ મેળવી હતી. બીજા દાવમાં ઈંગ્લેન્ડે 420 રન બનાવ્યા અને ભારતને 231 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ટીમ ઈન્ડિયા 202 રનમાં સમેટાઈ ગઈ હતી અને મેચ હારી ગઈ હતી.
ભારતીય બેટ્સમેનો હાર્ટલીની સ્પિન બોલિંગમાં ફસાયા
ભારતીય ટીમે બીજા દાવમાં શાનદાર શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને રોહિત શર્માએ મળીને પ્રથમ વિકેટ માટે 42 રનની ભાગીદારી કરી હતી. પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા ટોમ હાર્ટલીએ યશસ્વીને આઉટ કરીને ઈંગ્લેન્ડને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ હાર્ટલીએ શુભમન ગિલ, કેપ્ટન રોહિત અને અક્ષર પટેલને આઉટ કરીને ભારતનું ટેન્શન વધાર્યું હતું. કેએલ રાહુલ પણ જો રૂટનો શિકાર બન્યો હતો. ત્યારબાદ રવિન્દ્ર જાડેજા બેન સ્ટોક્સના હાથે રન આઉટ થયો હતો.
શ્રેયસ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે લીચની સ્પિનમાં ફસાઈ ગયો. 119 રનમાં સાત વિકેટ પડી ગયા બાદ કેએસ ભરત અને આર. અશ્વિન વચ્ચે 57 રનની ભાગીદારી થઈ હતી. એવું લાગતું હતું કે બંને ખેલાડીઓ સાથે મળીને ભારતને જીતની નજીક લઈ જશે, પરંતુ ફરી એકવાર ટોમ હાર્ટલીએ બંનેને પેવેલિયન મોકલીને ભારતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. આ પછી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે મળીને 25 રનની ભાગીદારી કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. એવું લાગતું હતું કે મેચ પાંચમા દિવસે જશે પરંતુ ચોથા દિવસની રમતની છેલ્લી ઓવરમાં હાર્ટલેએ સિરાજને આઉટ કરીને પોતાની ટીમને જીત અપાવી હતી.