ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર સંભવ! રોહિત શર્માના સ્થાને આ ખેલાડીને મળી શકે છે તક
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટક્કર, પ્લેઈંગ ઈલેવનમાં બદલાવના સંકેત, જાણો કોને મળી શકે છે એન્ટ્રી.

IND vs NZ playing XI: ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી રહેલી ટીમ ઈન્ડિયા પોતાની આગામી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પહેલાથી જ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી ચૂકી છે, પરંતુ 2 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ ગ્રુપ Aમાં ટોચના સ્થાન માટે મહત્વપૂર્ણ રહેશે. આ મેચના પરિણામ પરથી જ સેમીફાઈનલમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે તે નક્કી થશે. દરમિયાન, એવી શક્યતાઓ સેવાઈ રહી છે કે આ મહત્વપૂર્ણ મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે, જેમાં બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને તક મળી શકે છે.
કેપ્ટન રોહિત શર્માને આરામ આપવામાં આવી શકે છે?
ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાકિસ્તાન સામેની મેચ દરમિયાન હેમસ્ટ્રિંગમાં થયેલી ઈજાથી ઝઝૂમી રહ્યો છે. મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે તેને ડ્રેસિંગ રૂમમાં પણ જવું પડ્યું હતું, જોકે બાદમાં તે મેદાન પર પરત ફર્યો હતો અને બેટિંગ પણ કરી હતી. પરંતુ ગુરુવારે રોહિતે ટીમ સાથે પ્રેક્ટિસ કરી ન હતી, જેના કારણે તેની ફિટનેસ અંગે અટકળો તેજ થઈ છે. ટીમ મેનેજમેન્ટ સાવચેતીના ભાગરૂપે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિતને આરામ આપી શકે છે, જેથી તે સેમીફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચ માટે સંપૂર્ણ રીતે ફિટ થઈ શકે.
શુભમન ગિલ સંભાળી શકે છે કેપ્ટનશીપ, ઋષભ પંતને મળી શકે છે તક
જો રોહિત શર્માને આરામ આપવામાં આવે તો વાઈસ કેપ્ટન શુભમન ગિલ ટીમની કમાન સંભાળી શકે છે. ગિલ કેપ્ટનશીપનો પ્રબળ દાવેદાર છે. રોહિતની ગેરહાજરીમાં વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. જો ટીમ મેનેજમેન્ટ ઈચ્છે તો કેએલ રાહુલ પણ ઓપનિંગ બેટ્સમેન તરીકે આવી શકે છે, જે અગાઉ પણ આ ભૂમિકા ભજવી ચૂક્યો છે. જો ઋષભ પંત ટીમમાં સામેલ થાય તો મિડલ ઓર્ડરમાં ડાબા હાથના બેટ્સમેનની કમી પણ પૂરી થઈ શકે છે. પંતની વિસ્ફોટક બેટિંગ ક્ષમતાથી સૌ કોઈ વાકેફ છે અને તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, હર્ષિત રાણા.
આ પણ વાંચો....
એશિયા કપ 2025: શું ભારત યજમાની ગુમાવશે? આ દેશમાં રમાઈ શકે છે મેચ



















