રાહુલ-જુરેલ અને રવિંદ્ર જાડેજાની સદી, ટીમ ઈન્ડિયાને મળી 286 રનની લીડ
બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંતે રવિન્દ્ર જાડેજા 104 રન બનાવીને અણનમ રહ્યો.

ind vs wi 1st test day 2 highlights: બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 448 રન બનાવ્યા હતા. બીજા દિવસની રમતના અંતે રવિન્દ્ર જાડેજા 104 રન બનાવીને અણનમ રહ્યો. વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ દાવ ફક્ત 162 રનમાં સમેટાઈ ગયો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાની પ્રથમ દાવમાં કુલ લીડ 286 રન થઈ ગઈ છે. રમતના અંતે રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર બેટિંગ કરી રહ્યા હતા.
ભારતીય ટીમે બીજા દિવસે 121/2 થી પોતાની ઈનિંગ ફરી શરૂ કરી. કેપ્ટન શુભમન ગિલ 50 રન બનાવીને આઉટ થયો. ગિલ છેલ્લા 47 વર્ષમાં કેપ્ટન તરીકે પોતાની પહેલી ઘરેલુ ટેસ્ટ મેચમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. તેણે આ રેકોર્ડમાં સુનીલ ગાવસ્કરની બરાબરી કરી હતી. બીજી તરફ, કેએલ રાહુલ 100 રન બનાવીને આઉટ થયો. રાહુલે લગભગ 9 વર્ષ પછી ઘરેલુ ટેસ્ટ મેચમાં સદી ફટકારી છે.
જુરેલ અને જાડેજા પણ ચમક્યા
ભારતીય ટીમે 218 રનના સ્કોર પર પોતાની ચોથી વિકેટ ગુમાવી દીધી. ત્યારબાદ ધ્રુવ જુરેલ અને રવિન્દ્ર જાડેજાએ બાજી સંભાળી હતી. તેમણે 206 રનની જંગી ભાગીદારી કરી. જુરેલ 125 રન બનાવીને આઉટ થયો, જે તેની પ્રથમ ટેસ્ટ સદી હતી. થોડા સમય પછી રવિન્દ્ર જાડેજાએ તેની છઠ્ઠી ટેસ્ટ સદી ફટકારી હતી. તેણે સૌથી વધુ ટેસ્ટ સદીઓમાં એમએસ ધોનીની બરાબરી કરી હતી. ધોનીએ પણ તેની ટેસ્ટ કારકિર્દીમાં છ સદી ફટકારી છે.
વેસ્ટ ઇન્ડીઝ માટે અત્યાર સુધી સૌથી વધુ વિકેટ કેપ્ટન રોસ્ટન ચેઝ દ્વારા લેવામાં આવી છે, જેમણે સાઈ સુદર્શન અને શુભમન ગિલની વિકેટ લીધી હતી. જેડેન સીલ્સ, ખૈરી પિએર અને જોમેલ વારિકને એક-એક વિકેટ લીધી હતી. કેપ્ટન શુભમન ગિલ (100 બોલમાં 50 રન) અને લોકેશ રાહુલ (197 બોલમાં 100 રન) પોતાના વ્યક્તિગત સિદ્ધિઓ હાંસલ કર્યા પછી તરત જ આઉટ થઈ ગયા. બીજા સત્રની શરૂઆતની ઓવરમાં રાહુલના આઉટ થયા પછી જુરેલે ભારતીય ઇનિંગ્સ સંભાળી હતી.
રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર અડધી સદી ફટકારી મહેન્દ્ર સિંહ ધોનીનો છગ્ગાનો રેકોર્ડ તોડ્યો. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અમદાવાદ ટેસ્ટના બીજા દિવસે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે બેટિંગ કરતા રવિંદ્ર જાડેજાએ ચાર છગ્ગા ફટકાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીના 78 છગ્ગાના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જાડેજાએ હવે ટેસ્ટ ક્રિકેટમાં 79 થી વધુ છગ્ગા ફટકાર્યા છે.




















