Yashasvi Jaiswal Record: ડેબ્યૂ ટેસ્ટમાં યશસ્વી રમી 171 રનની યાદગાર ઈનિંગ, આવુ કરનાર બન્યો પ્રથમ ભારતીય ખેલાડી
યશસ્વી જયસ્વાલે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડેબ્યૂ મેચને યાદગાર બનાવી અને 171 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો.
India vs West Indies 1st Test, Yashasvi Jaiswal Record: યશસ્વી જયસ્વાલે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ડેબ્યૂ મેચને યાદગાર બનાવી અને 171 રનની શાનદાર ઇનિંગ રમીને આઉટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝ સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે બીજા દિવસની રમતમાં પોતાની પ્રથમ સદી પણ પૂરી કરી હતી. આ પછી ત્રીજા દિવસની શરૂઆત સાથે યશસ્વીને 150 રનનો આંકડો પાર કરવામાં વધુ સમય લાગ્યો ન હતો. યશસ્વી હવે ઓપનર બેટ્સમેન તરીકે ભારતની બહાર ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ સાથે જ તે ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવનાર ભારતનો ત્રીજો ખેલાડી છે.
ડોમિનિકા ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે 387 બોલમાં 171 રનની ઇનિંગ રમી જેમાં 16 ફોર અને 1 સિક્સ સામેલ હતી. યશસ્વી જયસ્વાલ પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં સૌથી વધુ બોલનો સામનો કરનાર ભારતીય ખેલાડી બની ગયો છે. યશસ્વી પહેલા આ રેકોર્ડ પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો, જેણે વર્ષ 1984માં પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં 322 બોલનો સામનો કર્યો હતો.
વિદેશી સીરીઝમાં ડેબ્યૂ કરનાર યશસ્વીએ તેની પ્રથમ ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાના મામલે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વર્ષ 1996માં સૌરવ ગાંગુલીએ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરતી વખતે 131 રનની ઇનિંગ રમી હતી.
ઓપનર તરીકે ડેબ્યૂ મેચમાં 5મો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો
યશસ્વી જયસ્વાલ હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ડેબ્યૂ મેચમાં સૌથી વધુ સ્કોર કરનાર 5મી ખેલાડી બની ગયો છે. આ યાદીમાં પ્રથમ નંબરે બ્રેન્ડન કુરપ્પુ છે, જેણે વર્ષ 1987માં ન્યૂઝીલેન્ડ સામે 201 રનની ઇનિંગ રમી હતી. આ પછી બીજા નંબર પર ડેવોન કોનવે છે, જેણે વર્ષ 2021માં લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 200 રનની ઈનિંગ રમી હતી.
શિખર ધવન આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે વર્ષ 2013માં મોહાલી મેદાનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 187 રનની ઇનિંગ રમી હતી. ચોથા સ્થાન પર ન્યૂઝીલેન્ડ ટીમનો ભૂતપૂર્વ ખેલાડી હેમિસ રધરફોર્ડ છે, જેણે 2013માં પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 171 રન બનાવ્યા હતા.
પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ઓપનર
પૃથ્વી શૉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર બીજો ઓપનર છે. આ ખેલાડીએ વર્ષ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. પૃથ્વી શૉએ પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચમાં 134 રનની ઇનિંગ રમી હતી. હવે આ યાદીમાં યશસ્વી જયસ્વાલ જોડાઈ ગયા છે. યશસ્વી જયસ્વાલ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજો ઓપનર બની ગયો છે.