India vs Pakistan Live Streaming: પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડવાની તૈયારીમાં ટીમ ઈન્ડિયા, જાણો ક્યાં અને ક્યારે જોઈ શકશો લાઈવ મેચ?
અત્યાર સુધીમાં વન-ડે ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 11 મેચ રમાઈ છે અને દરેક વખતે ભારત જીત્યું છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે તે મેચ રમાય દર્શકોમાં ઉત્સાહ ચરમસીમાએ રહે છે. હવે આ જ ઉત્સાહ મહિલા વન-ડે વર્લ્ડ કપ 2025માં જોવા મળશે. રવિવારે (5 ઓક્ટોબર) ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો કોલંબોના આર. પ્રેમદાસા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. એશિયા કપ 2025માં પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા હવે વર્લ્ડ કપમાં તે જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
વર્લ્ડ કપમાં પાકિસ્તાન પર ભારતનો દબદબો
ભારતીય મહિલા ટીમનો પાકિસ્તાન સામે એકતરફી રેકોર્ડ છે. અત્યાર સુધીમાં વન-ડે ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે 11 મેચ રમાઈ છે અને દરેક વખતે ભારત જીત્યું છે. દરમિયાન બંને ટીમો વર્લ્ડ કપમાં ચાર વખત એકબીજા સામે આવી છે અને પાકિસ્તાન ચારેય મેચ હારી ગયું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત સામે પાકિસ્તાનનો માર્ગ સરળ રહેશે નહીં.
ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમ શાનદાર ફોર્મમાં છે. ભારતે ટુર્નામેન્ટના પોતાના પહેલા મેચમાં શ્રીલંકાને સરળતાથી હરાવ્યું હતું. સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સે બેટિંગથી શાનદાર પ્રદર્શન કર્યું, જ્યારે રેણુકા ઠાકુર અને દીપ્તિ શર્માએ વિરોધી ટીમને કાબૂમાં રાખી હતી. ભારતીય બોલરોની સચોટ લાઇન અને લેન્થ પાકિસ્તાન સામે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ભારત વિરુદ્ધ પાકિસ્તાન મહિલા મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે.
મેચ તારીખ - રવિવાર, 5 ઓક્ટોબર, 2025
સ્થળ - આર. પ્રેમદાસા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, કોલંબો
મેચનો સમય - બપોરે 3:00 વાગ્યે (IST)
ટોસ - બપોરે 2:30 વાગ્યે
લાઇવ ટીવી પ્રસારણ
મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. દર્શકો સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી/HD પર હિન્દીમાં અને સ્ટાર સ્પોર્ટ્સ 1/HD પર અંગ્રેજીમાં મેચ જોઈ શકે છે.
લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન
મોબાઇલ અથવા લેપટોપ પર જોવા માંગતા દર્શકો JioCinema અથવા Disney+ Hotstar એપ્સ અને વેબસાઇટ પર આ રોમાંચક મેચનું લાઇવ સ્ટ્રીમિંગ માણી શકે છે.
પાકિસ્તાન મહિલા ટીમને તાજેતરમાં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તેમના આત્મવિશ્વાસને ઠેસ પહોંચી છે. આ દરમિયાન ભારત આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. હવે જોવાનું એ રહે છે કે શું ટીમ ઈન્ડિયા ફરી એકવાર પાકિસ્તાનને હરાવી શકશે અને પોતાનો અજેય રેકોર્ડ જાળવી શકશે.



















