IND vs NZ: એક જ ઓવરમાં બે વિકેટ લઈ વોશિંગટન સુંદરે બનાવ્યો રેકોર્ડ
ટીમ ઈન્ડિયાના બોલર વોશિંગ્ટન સુંદરે અનેક તકે પોતાને ખૂબ જ સારો બોલર સાબિત કરી ચૂક્યો છે.
India vs New Zealand Ranchi 1st T20: ટીમ ઈન્ડિયાના બોલર વોશિંગ્ટન સુંદરે અનેક તકે પોતાને ખૂબ જ સારો બોલર સાબિત કરી ચૂક્યો છે. બોલિંગની સાથે તેણે બેટિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે. સુંદરને ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં રમાઈ રહેલી ટી20 શ્રેણીની પ્રથમ મેચ માટે પણ તક આપવામાં આવી છે. તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. સુંદરે આ મેચની શરૂઆતમાં ખતરનાક બોલિંગ કરી અને પાવર પ્લેમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. T20 ઇન્ટરનેશનલ મેચોના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે સુંદરે અક્ષર પટેલને પાછળ છોડી દીધો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાંચીમાં T20 સીરીઝની પ્રથમ મેચ રમાઈ રહી છે. આ મેચ માટે હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે ફિન એલન અને ડેવોન કોનવે ઓપનિંગ કરવા આવ્યા હતા. ન્યુઝીલેન્ડ માટે સારી શરૂઆત કરી હતી પરંતુ વોશિંગ્ટન સુંદરે ભારતને મેચમાં વાપસી કરાવી હતી. તેણે પાવરપ્લેમાં બે વિકેટ લઈને ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર લાવી દીધું હતું.
ન્યૂઝીલેન્ડે 43 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ ઈન્ડિયા માટે સુંદરને પ્રથમ વિકેટ મળી હતી. તેણે પાંચમી ઓવરના બીજા બોલ પર ઓપનર ફિન એલનને આઉટ કર્યો હતો. એલન સારી બેટિંગ કરી રહ્યો હતો. તેણે 23 બોલનો સામનો કરીને 35 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઓવરના છેલ્લા બોલ પર સુંદરે માર્ક ચેમ્પમેનને પેવેલિયન મોકલી દીધો હતો. માર્ક પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.
સુંદરે પાવરપ્લેમાં શાનદાર બોલિંગ કરીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તે ભારત માટે T20 ઈન્ટરનેશનલ મેચોના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનારા સ્પિન બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે આ મામલે અક્ષર પટેલને પાછળ છોડી દીધો છે. આ મામલે રવિચંદ્રન અશ્વિન ટોપ પર છે. તેણે 17 વિકેટ લીધી છે. સુંદરે 15 વિકેટ લીધી છે. જ્યારે અક્ષરે 13 વિકેટ લીધી છે.
T20 ઇન્ટરનેશનલ મેચના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય સ્પિન બોલર -
17 - રવિચંદ્રન અશ્વિન
15 - વોશિંગ્ટન સુંદર*
13 - અક્ષર પટેલ
ભારત પ્લેઈંગ ઈલેવન
ભારત પ્લેઈંગ ઈલેવન: હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ઈશાન કિશન (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, શિવમ માવી, અર્શદીપ સિંહ અને ઉમરાન મલિક.
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11
ન્યુઝીલેન્ડની પ્લેઈંગ 11 - ફિન એલન, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ડેરેલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, ઈશ સોઢી, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, બ્લેયર ટિકનર