IND vs SA: શું ગંભીરના કારણે ભારત સિરીઝ હારશે? કોલકાતા બાદ ગુવાહાટીમાં પણ એ જ ખતરનાક પ્લાન!
IND vs SA: બીજી ટેસ્ટમાં પણ સ્પિન ટ્રેકની માંગણીથી BCCI ચિંતિત, લાલ માટીની પિચ પર ગંભીર ફરી જોખમ લેવાના મૂડમાં.

gautam gambhir: કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમની રણનીતિ ઉલટી પડી હતી અને ટીમને 30 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હવે સવાલ એ ઉભો થાય છે કે શું ગુવાહાટીમાં રમાનારી બીજી ટેસ્ટમાં પણ કોચ ગૌતમ ગંભીર એ જ ભૂલનું પુનરાવર્તન કરશે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ટીમ મેનેજમેન્ટ ફરી એકવાર ટર્નિંગ પિચની માંગ કરી રહ્યું છે. જોકે, કોલકાતામાં સ્પિનરો સામે ભારતીય બેટ્સમેનોના ધબડકા બાદ, BCCI ના અધિકારીઓ આ માંગણીને લઈને ચિંતિત છે. શું ગુવાહાટીની લાલ માટીની પિચ પર ગંભીરનો દાવ સફળ થશે કે ભારત શ્રેણી ગુમાવશે?
કોલકાતામાં રણનીતિ નિષ્ફળ: 66 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમ મેનેજમેન્ટે આક્રમક રણનીતિ અપનાવતા 4 સ્પિનરોને મેદાનમાં ઉતાર્યા હતા. ઈડન ગાર્ડન્સની પિચ એટલી હદે ટર્નિંગ હતી કે મેચ 3 દિવસ પણ પૂરા ચાલી શકી નહીં. દુર્ભાગ્યે, આનો ફાયદો ભારત કરતા દક્ષિણ આફ્રિકાના સ્પિનરોએ વધુ ઉઠાવ્યો. પરિણામ એ આવ્યું કે, છેલ્લા 66 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે ભારતીય ટીમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં 200 રનનો આંકડો પણ પાર કરી શકી નહીં. ગૌતમ ગંભીરે સ્વીકાર્યું હતું કે તેમણે જ આવી પિચની માંગણી કરી હતી, પરંતુ હવે આ જ રણનીતિ બીજી ટેસ્ટ માટે પણ અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
ગુવાહાટી માટે પણ 'ટર્નિંગ ટ્રેક'ની માંગ?
'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના એક અહેવાલ મુજબ, ભારતીય ટીમ મેનેજમેન્ટ ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પણ સ્પિન-ફ્રેન્ડલી પિચ ઈચ્છે છે. આ સ્ટેડિયમમાં આ સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ ગ્રાઉન્ડ BCCI ના ચીફ ક્યુરેટર આશિષ ભૌમિકનું હોમ ગ્રાઉન્ડ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ ઈન્ડિયાની આ માંગણીથી બોર્ડના અધિકારીઓ અવઢવમાં છે. તેમને ડર છે કે જો ડેબ્યૂ મેચમાં જ પિચ વધુ પડતી ટર્નિંગ હશે અને મેચ વહેલી પૂરી થઈ જશે, તો સ્ટેડિયમની શાખ પર નકારાત્મક અસર પડી શકે છે.
લાલ માટીની પિચનો મિજાજ
BCCI ના સૂત્રોએ પિચના મિજાજ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, "ગુવાહાટીની પિચ લાલ માટીથી બનેલી છે. સામાન્ય રીતે લાલ માટીની પિચ પર બોલરોને સારી ગતિ (Pace) અને ઉછાળો (Bounce) મળે છે." ભારતીય ટીમની સ્પષ્ટ માંગ છે કે જો પિચ ટર્ન લેતી હોય, તો તે ધીમી હોવાને બદલે ગતિ અને ઉછાળ સાથે ટર્ન લેવી જોઈએ. ક્યુરેટર્સ હાલ એ સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે કે પિચ પર કોઈ અસામાન્ય ઉછાળો જોવા ન મળે અને રમત સ્પર્ધાત્મક રહે.
ગંભીરનો બચાવ: "અમે ખરાબ પિચ નથી માંગી"
પિચ અંગે ઉઠતા સવાલો વચ્ચે કોચ ગૌતમ ગંભીરે પોતાનો પક્ષ રાખ્યો છે. રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, "અમારું માનવું છે કે ટર્નિંગ વિકેટ એવી હોવી જોઈએ જે પહેલા દિવસે જ વધુ પડતો ટર્ન ન લે, જેથી ટોસ જીતવો કે હારવો એ મેચનું નિર્ણાયક પરિબળ ન બની જાય." તેમણે ઉમેર્યું કે, "અમે ક્યારેય ખરાબ પિચ પર રમવાની માંગણી કરી નથી. જો અમે કોલકાતામાં પહેલી ટેસ્ટ જીતી ગયા હોત, તો કદાચ આજે પિચ વિશે આટલી ટીકાઓ કે ચર્ચાઓ થઈ ન હોત."




















