વિરાટ કોહલી, રોહિત શર્માના ક્લબમાં સામેલ થશે સ્મૃતિ મંધાના, મિતાલી રાજનો રેકોર્ડ તોડી શકે છે હરમનપ્રીત કૌર
હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 સીરિઝ રમવાની છે
નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે. અહીં હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં શ્રીલંકા સામે ત્રણ મેચની ટી-20 સીરિઝ રમવાની છે. પ્રથમ ટી-20 મેચ ગુરુવારે દાંબુલામાં રમાશે. આ મેચમાં હરમનપ્રીત સાથે સ્મૃતિ મંધાના પાસે મોટો રેકોર્ડ બનાવવાની તક છે. વાસ્તવમાં સૌથી પહેલા વાત કરીએ હરમનપ્રીતની જે મિતાલી રાજનો મોટો રેકોર્ડ તોડી શકે છે. હરમનપ્રીત 46 રન બનાવશે તો તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારી ભારતીય મહિલા ક્રિકેટર બની જશે.
હરમનપ્રીત માટે મિતાલીનો રેકોર્ડ તોડવો સરળ છે
હાલમાં આ રેકોર્ડ મિતાલી રાજના નામે છે જેણે 89 T20 મેચમાં 37.52ની એવરેજથી 2364 રન બનાવ્યા છે. તેના પછી હરમનપ્રીતનો નંબર આવે છે, જેણે 121 T20 મેચમાં 26.35ની એવરેજથી 2319 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મિતાલીએ 8 જૂને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લઇ લીધી છે. આવી સ્થિતિમાં હરમનપ્રીત માટે તેનો રેકોર્ડ તોડવો વધુ સરળ બની ગયો છે.
મંધાના પાસે બે હજાર T20 રન પૂરા કરવાની તક છે
સ્મૃતિ મંધાનાની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 1971 રન બનાવીને T20 મેચમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ત્રીજી ભારતીય છે. મંધાના 29 રન બનાવતાની સાથે જ T20 ઈન્ટરનેશનલમાં તેના 2 હજાર રન પૂરા કરશે. આ રીતે મંધાના વિરાટ કોહલી અને રોહિત શર્માની ક્લબમાં જોડાશે. અત્યાર સુધી માત્ર 4 ભારતીયો (મહિલા અને પુરૂષ) T20 ઇન્ટરનેશનલમાં 2 હજાર કે તેથી વધુ રન બનાવી શક્યા છે.
આ ચાર ભારતીયો છે વિરાટ કોહલી, રોહિત શર્મા, મિતાલી રાજ, હરમનપ્રીત કૌર. આવી સ્થિતિમાં હવે સ્મૃતિ મંધાના પણ આ ક્લબમાં જોડાશે. 29 રન બનાવ્યા બાદ મંધાના બે હજાર T20 રન બનાવનારી પાંચમી ભારતીય ખેલાડી પણ બની જશે.
વર્લ્ડ કપ પછી પ્રથમ આંતરરાષ્ટ્રીય સીરિઝ
બર્મિંગહામમાં આગામી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટના T20 ફોર્મેટનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ICC મહિલા T20 વર્લ્ડ કપને પણ આઠ મહિના બાકી છે અને ભારતીય ટીમ તેમના અભિયાનની મજબૂત શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. મહિલા ODI વર્લ્ડ કપ 2022માં નિરાશાજનક પ્રદર્શન બાદ ભારતીય મહિલા ટીમની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ છે. અનુભવી ખેલાડી મિતાલી રાજની નિવૃત્તિ બાદ ભારતીય ટીમની આ પ્રથમ સીરિઝ છે.