(Source: ECI/ABP News/ABP Majha)
T20 WC માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થતા આ ખેલાડીએ લીધી નિવૃતિ, સોશિયલ મીડિયામાં લખી આ વાત
ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આ ટૂર્નામેન્ટ માટે પરત ફર્યા છે.
Ishwar Pandey Retirement: ઓસ્ટ્રેલિયામાં રમાનાર આગામી T20 વર્લ્ડ કપ 2022 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ આ ટૂર્નામેન્ટ માટે પરત ફર્યા છે. આ દરમિયાન, એક સમયે ભારતીય ક્રિકેટ ટીમનો હિસ્સો રહેલા ફાસ્ટ બોલર ઇશ્વર પાંડેએ નિવૃત્તિની જાહેરાત કરી છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂકેલા ફાસ્ટ બોલરે ઈન્સ્ટાગ્રામ પર ઈન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
View this post on Instagram
'દેશ માટે વધુ રમવાની તક ન મળી એનું દુઃખ છે'
ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કરતા ઇશ્વર પાંડેએ લખ્યું કે આજે તે દિવસ આવી ગયો છે અને ભારે હૃદય સાથે મેં ઇન્ટરનેશનલ અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં આ અદ્ભુત સફર 2007 માં શરૂ કરી હતી અને ત્યારથી મેં મેદાન પર અને મેદાનની બહાર દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. તેણે આગળ લખ્યું કે મને ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં સામેલ કરવામાં આવ્યો હતો, તે મારા માટે ગર્વની વાત હતી, પરંતુ તે પણ દુખની વાત છે કે મને દેશ માટે વધુ રમવાની તક ન મળી.
ઈશ્વર પાંડે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ રહી ચૂક્યો છે
ઉલ્લેખનીય છે કે, ઈશ્વર પાંડે IPLમાં મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)નો ભાગ રહી ચૂક્યો છે. જોકે, તેને છેલ્લી 3 સિઝનમાં IPLમાં રમવાની તક મળી નથી. સાથે જ આ ફાસ્ટ બોલરની કારકિર્દીની વાત કરીએ તો તેણે 75 ફર્સ્ટ ક્લાસ મેચો ઉપરાંત 58 લિસ્ટ A અને 71 T20 મેચ રમી છે. 75 ફર્સ્ટ ક્લાસ મેચો ઉપરાંત, ઈશ્વર પાંડેએ 58 લિસ્ટ A અને 71 T20 મેચોમાં અનુક્રમે 263, 63 અને 68 વિકેટ લીધી હતી. જો કે આ ખેલાડીને આંતરરાષ્ટ્રીય મેચ રમવાની તક મળી ન હતી, પરંતુ 2014માં જ્યારે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કર્યો ત્યારે તે પ્રવાસ પર ઈશ્વર પાંડે ભારતીય ટેસ્ટ અને ODI ટીમનો ભાગ હતો.