Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar Crime: સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ખુદ પોલીસ પણ આનો ભોગ બની રહી છે
Surendranagar Crime: રાજ્યમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. સુરેન્દ્રનગરમાં ગઇકાલે એસએમસી પોલીસની કારને એક ભયંકર અકસ્માત નડ્યો છે, ખરેખરમાં, એસએમસી પોલીસની કાર દારૂ ભરેલી ક્રેટા કારનો પીછો કરી રહી હતી, આ દરમિયાન એક ટ્રેલર વચ્ચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો, જેમાં એસએમસી પીએસઆઇ જે.એમ. પઠાણનું ગંભીર ઇજા પહોંચતા મોત નીપજ્યુ હતુ. આ ઘટના અનેક સવાલો ઉભા થયા છે, આ અકસ્માત છે કે કોઇ અન્ય કારણ તેની પણ તપાસની માંગ ઉઠી છે.
સુરેન્દ્નનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેમ ખુદ પોલીસ પણ આનો ભોગ બની રહી છે. મળતી માહિતી પ્રમાણે, સુરેન્દ્રનગરના કઠાડા નજીક SMCના PSIનું અકસ્માતમાં મોત થયુ છે. ઘટનાની વિગતો એવી છે કે, એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક ક્રેટા કાર દારૂ ભરીને દસાડા-પાટડી રૉડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે આના પર કાર્યવાહી કરતાં રૉડ બ્લૉક કરીને ક્રેટા કારને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તે સમયે પાટડી તરફ બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા. SMC ટીમની કારે ફિલ્મી ઢબે બન્ને વાહનોનો પીછો કર્યો હતો. તે સમયે SMCની કારની ટ્રેલર સાથે ટક્કર થઈ હતી. દારૂ ભરેલી ક્રેટા કારને રોકવા જતા ટ્રેલર વચ્ચે આવી ગયું અને SMCની કારની ટ્રેલર સાથે ભયંકર ટક્કર થઈ હતી. આથી દારૂ ભરેલી ક્રેટા કાર ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ હતી.
અકસ્માતની ઘટનામાં ટ્રેલરના ટક્કરથી PSIને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, અને ઈજાના કારણે મોત નિપજ્યું હતું. સાથે અન્ય બે પોલીસકર્મીઓને પણ ઈજા પહોંચી હતી. આ મામલે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ શરૂ છે.
અગાઉ ઝીંઝુવાડામાં બૂટલેગરને પકડવા ગયેલા PSI પર થયો હતો જીવલેણ હુમલો
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, ખાસ વાત છે કે, અગાઉ જાન્યુઆરી મહિનામાં પણ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા પોલીસ પર હુમલાની ઘટના બની હતી. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનના PSI પર જીવલેણ હુમલો થતા ગંભીર હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઝીંઝૂવાડા પોલીસ સ્ટેશનની ટીમ બૂટલેગરને પકડવા ગઈ હતી તે દરમિયાન હુમલાની ઘટના બની હતી. ઘટના એવી હતી કે, ઝીંઝુવાડા પોલીસના PSI જાલમસિંહ નામના આરોપીને પકડીને લાવી રહ્યા હતા. જાલમસિંહ નામના આરોપી સામે લૂંટ, દારૂ, મારામારી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હતા. દારૂના કેસમાં છેલ્લા ઘણા સમયથી આરોપી વોન્ટેડ હતો. પાટડીના જેનાબાદ ગામેથી આરોપીને પકડી પોલીસ ઝીંઝુવાડા લાવતી હતી. ઝીંઝુવાડા ગામના ચોકમાં આરોપીના સાગરીતે પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા હતા. એક PSI અને અન્ય પોલીસ કોન્સટેબલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો
Amreli: અમરેલીના ખાલસા કંથારીયામાં સિંહણે 7 વર્ષની બાળકીને ફાડી ખાધી