રણજી ટ્રોફી 2025: જમ્મુ-કાશ્મીરે મુંબઈને હરાવી રચ્યો ઇતિહાસ, શાર્દુલની સદી ગઈ વ્યર્થ, રોહિત-રહાણે ફ્લોપ
રોહિત, રહાણે અને અય્યર જેવા દિગ્ગજોની હાજરી છતાં મુંબઈનો પરાજય, યુદ્ધવીર સિંહની શાનદાર બોલિંગ અને બેટિંગથી જમ્મુ-કાશ્મીરની ઐતિહાસિક જીત.

Mumbai vs Jammu and Kashmir Ranji Trophy: મુંબઈ વિરુદ્ધ જમ્મુ અને કાશ્મીરની રણજી ટ્રોફી મેચમાં જમ્મુ-કાશ્મીરે ઈતિહાસ રચ્યો છે. તેમણે રોહિત શર્મા અને અજિંક્ય રહાણે જેવા અનુભવી ખેલાડીઓથી સજ્જ મુંબઈની ટીમને 5 વિકેટે હરાવી દીધી. આ જીત જમ્મુ-કાશ્મીર માટે ખૂબ જ મહત્વની છે, કારણ કે તેમણે ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈને હરાવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના યુદ્ધવીર સિંહે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેને 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો હતો. યુદ્ધવીરે પ્રથમ દાવમાં 31 રનમાં 4 વિકેટ અને બીજા દાવમાં 64 રનમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે બેટિંગમાં પણ યોગદાન આપ્યું હતું અને પ્રથમ દાવમાં 20 રન બનાવ્યા હતા.
મુંબઈની ટીમ પ્રથમ દાવમાં માત્ર 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રોહિત શર્મા 3 રન, યશસ્વી જયસ્વાલ 4 રન, અજિંક્ય રહાણે 12 રન અને શ્રેયસ અય્યર 11 રન બનાવીને નિષ્ફળ રહ્યા હતા. શાર્દુલ ઠાકુરે 51 રનનું યોગદાન આપ્યું હતું. બીજા દાવમાં મુંબઈએ 290 રન બનાવ્યા હતા, જેમાં શાર્દુલ ઠાકુરે 119 રનની સદી ફટકારી હતી અને તનુષ કોટિયને 62 રન બનાવ્યા હતા.
જમ્મુ-કાશ્મીરે પ્રથમ દાવમાં 206 રન બનાવ્યા હતા, જેમાં શુભમ ખજુરિયાએ 53 રન અને અદીબ મુશ્તાકે 44 રનનું યોગદાન આપ્યું હતું. બીજા દાવમાં જમ્મુ-કાશ્મીરે 5 વિકેટ ગુમાવીને 207 રન બનાવ્યા અને ઐતિહાસિક જીત મેળવી. મુશ્તાકે બીજી ઈનિંગમાં અણનમ 32 રન બનાવ્યા હતા.
મુંબઈના સ્ટાર ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન
મુંબઈની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તેમના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા. રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, અજિંક્ય રહાણે અને શ્રેયસ અય્યર જેવા સ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. જોકે, શાર્દુલ ઠાકુરે બંને દાવમાં સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.
જમ્મુ-કાશ્મીરની ઐતિહાસિક જીત
જમ્મુ-કાશ્મીર માટે આ એક ઐતિહાસિક જીત છે. તેમણે મુંબઈ જેવી મજબૂત ટીમને હરાવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. યુદ્ધવીર સિંહના ઓલરાઉન્ડ પ્રદર્શને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જીત જમ્મુ-કાશ્મીરના ક્રિકેટ માટે એક નવો અધ્યાય સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો...
ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ઉલટફેર, નાઇજીરિયાએ ન્યૂઝીલેન્ડને હરાવી દુનિયાને ચોંકાવી દીધી




















