IND vs SA T20I: ટીમને ડબલ ઝટકો! ટી20 સિરીઝ શરૂ થાય તે પહેલા જ 2 સ્ટાર ખેલાડીઓ થયા બહાર
South Africa vs India T20I 2025: હેમસ્ટ્રિંગની ઈજા નડી. ટોની ડી જોર્જી અને ક્વેના મ્ફાકા T20 શ્રેણી ગુમાવશે, લુથો સિપામલાનો ટીમમાં સમાવેશ; 9 ડિસેમ્બરથી કટકમાં જંગ.

South Africa vs India T20I 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વનડે શ્રેણી બાદ હવે T20I શ્રેણીનો રોમાંચ શરૂ થવા જઈ રહ્યો છે. જોકે, 5 મેચની આ હાઈ-વોલ્ટેજ શ્રેણી શરૂ થાય તે પહેલા જ પ્રવાસી આફ્રિકન ટીમને મોટો ફટકો પડ્યો છે. ટીમના બે મુખ્ય ખેલાડીઓ - ફાસ્ટ બોલર ક્વેના મ્ફાકા અને ઇન-ફોર્મ બેટ્સમેન ટોની ડી જોર્જી હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. આ સમાચાર આફ્રિકન ટીમ માટે ચિંતાજનક છે, કારણ કે ભારત સામેની શ્રેણીમાં તેમનું હોવું મહત્વપૂર્ણ હતું.
બીજી વનડેમાં ટોની ડી જોર્જીને થઈ હતી ઈજા
દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ટોની ડી જોર્જી ભારત સામે રમાયેલી બીજી વનડે મેચ દરમિયાન મુશ્કેલીમાં જોવા મળ્યા હતા. મેચની 45મી ઓવર બાદ જ્યારે તેઓ 17 રન પર રમતા હતા, ત્યારે હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે તેમને 'રિટાયર્ડ હર્ટ' થઈને મેદાન છોડવું પડ્યું હતું. તેઓ હજુ સુધી સંપૂર્ણ ફિટ થયા નથી અને ત્રીજી વનડે પણ રમી શક્યા ન હતા. હવે મેડિકલ ટીમે તેમને આરામની સલાહ આપી હોવાથી તેઓ સ્વદેશ પરત ફરશે. જોર્જીના સ્થાને કોને ટીમમાં લેવામાં આવશે તેની જાહેરાત હજુ બાકી છે.
🚨 SQUAD UPDATE 🚨
— Proteas Men (@ProteasMenCSA) December 6, 2025
Proteas Men’s fast bowler Nandre Burger and batter Tony de Zorzi have been ruled out of the third One-Day International (ODI) against India on Saturday due to injury.
Burger experienced right hamstring discomfort while bowling during the second ODI on… pic.twitter.com/zL7wLHReXb
યંગ ફાસ્ટ બોલર ક્વેના મ્ફાકા પણ બહાર
ટીમને બીજો ફટકો યુવા ફાસ્ટ બોલર ક્વેના મ્ફાકાના રૂપમાં લાગ્યો છે. મ્ફાકાને ડાબા પગની હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ છે, જેના કારણે તેને સાજા થવામાં સમય લાગશે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ મ્ફાકાના સ્થાને લુથો સિપામલા (Lutho Sipamla) નો ટીમમાં સમાવેશ કર્યો છે. સિપામલાની એન્ટ્રીથી આફ્રિકન બોલિંગ આક્રમણમાં થોડો ફેરફાર જોવા મળશે.
T20 આંતરરાષ્ટ્રીયમાં ભારતનો દબદબો
બંને ટીમો વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડ્સ પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 31 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમાઈ છે. જેમાંથી ભારતે 18 મેચોમાં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકા માત્ર 12 મેચ જીતવામાં સફળ રહ્યું છે. ઘરઆંગણે રમતી ભારતીય ટીમ આ રેકોર્ડને વધુ સુધારવા પ્રયાસ કરશે.
સિરીઝનું સંપૂર્ણ સમયપત્રક (Schedule)
5 મેચની આ T20 શ્રેણીનો પ્રારંભ 9 December થી થશે.
પ્રથમ મેચ: 9 December - કટક
બીજી મેચ: 11 December - મુલ્લાનપુર
ત્રીજી મેચ: 14 December - ધર્મશાલા
ચોથી મેચ: 17 December - લખનૌ
પાંચમી મેચ: 19 December - અમદાવાદ
બંને ટીમોની સંપૂર્ણ સ્ક્વોડ (Squads)
ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદર.
દક્ષિણ આફ્રિકા: એઈડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, જ્યોર્જ લિન્ડે, લુંગી એનગિડી, એનરિચ નોર્ટજે, લુથો સિપામલા અને ટ્રિસ્ટન સ્ટબ્સ.




















