181 રન બનાવી આઉટ થયા બાદ પૃથ્વી શૉ ગુસ્સામાં બેટ લઈને બોલરને મારવા દોડ્યો, લાઇવ મેચનો વીડિયો વાયરલ
Prithvi Shaw fight: આક્રમક બેટિંગ માટે જાણીતા પૃથ્વી શૉએ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવ્યા બાદ સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

Prithvi Shaw fight: ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલો બેટ્સમેન પૃથ્વી શૉ ફરી એકવાર વિવાદના કારણે ચર્ચામાં આવ્યો છે. 2025-26 રણજી ટ્રોફી પહેલા મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં, મહારાષ્ટ્ર તરફથી રમતા શૉએ 219 બોલમાં 181 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જોકે, આઉટ થયા બાદ તે યુવા બોલર મુશીર ખાન (સરફરાઝ ખાનનો નાનો ભાઈ) સાથે ઉગ્ર દલીલમાં ઉતર્યો હતો અને ગુસ્સામાં તેને મારવા માટે બેટ ઉગામ્યું હતું. મેદાન પર થયેલા આ ગરમાગરમીના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
બેટિંગનો જાદુ અને ગુસ્સાનો વિસ્ફોટ
આક્રમક બેટિંગ માટે જાણીતા પૃથ્વી શૉએ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને જીત અપાવ્યા બાદ સિનિયર ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી ફોર્મની અનિશ્ચિતતાને કારણે તે ટીમ ઈન્ડિયાની બહાર છે અને હાલમાં રાષ્ટ્રીય ટીમમાં વાપસી માટે પ્રયાસરત છે.
આ જ પ્રયાસના ભાગરૂપે, શૉ 2025-26 રણજી ટ્રોફીની તૈયારીના ભાગરૂપે મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ રહ્યો હતો. આ વખતે, આઠ વર્ષ સુધી મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યા પછી, તે મહારાષ્ટ્રની ટીમ તરફથી રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. શૉએ મુંબઈ સામેની આ વોર્મ-અપ મેચમાં 140 બોલમાં સદી પૂરી કરીને કુલ 219 બોલમાં 181 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેણે તેના શાનદાર ફોર્મની ઝલક આપી.
We got Prithvi Shaw vs Mumbai before GTA VI
— Abhijeet (@alsoabhijeet) October 7, 2025
He had an argument with Musheer Khan after being dismissed for 181(220) in the warmup match between Maharashtra vs Mumbai before Ranji Trophy 2025-26.#PrithviShaw #Mumbai #Maharashtra #Cricket pic.twitter.com/OXeFOSHx9P
લાઈવ મેચ દરમિયાન ઉગ્ર બોલાચાલી
શૉ તેની બેવડી સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે મુંબઈના યુવા સ્પિનર મુશીર ખાન (ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનનો નાનો ભાઈ)ના બોલ પર તે કેચ આઉટ થયો. 181 રનના આંકડા પર આઉટ થવાથી પૃથ્વી શૉ ખૂબ ગુસ્સે ભરાયો હતો.
આઉટ થયા બાદ પૃથ્વી શૉ મુશીર ખાન સાથે દલીલબાજીમાં ઉતરી ગયો. શરૂઆતમાં સામાન્ય લાગતી આ દલીલે ગરમાવો પકડ્યો, અને વાત એટલી હદે વણસી ગઈ કે શૉએ પોતાનું બેટ ઉંચુ કરીને મુશીર ખાનને મારવાનો પ્રયાસ કર્યો. જોકે, અમ્પાયર અને બંને ટીમના અન્ય ખેલાડીઓએ તરત જ મામલામાં દરમિયાનગીરી કરી અને બંને ક્રિકેટરોને અલગ કર્યા.
પૃથ્વી શૉ અને મુશીર ખાન વચ્ચેની મેદાન પરની આ તકરારનો વીડિયો ફૂટેજ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'લાઇવ મેચ દરમિયાન બોલાચાલી'ના શીર્ષક હેઠળ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેણે ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે.




















