વિશ્વના આ દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃતિની જાહેરાત, જાણો તેમના વિશે
તેના કરિયરની છેલ્લી મેચ પહેલા રડતો જોવા મળ્યો હતો. નેધરલેન્ડ સામે હેમિલ્ટનમાં ત્રીજી વનડે મેચથી પહેલા રાષ્ટ્રગીત દરમિયાન ટેલરના આંખમાં આસું આવી ગયા હતા
ન્યુઝિલેન્ડની બેટિંગ લાઇન-અપના મુખ્ય ખેલાડી રોસ ટેલરે નેધરલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમ્યા બાદ 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રોસ ટેલર તેના કરિયરની છેલ્લી મેચ પહેલા રડતો જોવા મળ્યો હતો. નેધરલેન્ડ સામે હેમિલ્ટનમાં ત્રીજી વનડે મેચથી પહેલા રાષ્ટ્રગીત દરમિયાન રોસ ટેલરના આંખમાં આસું આવી ગયા હતા. ત્યારબાદ તેને તેના સાથીઓએ સંભાળ્યો હતો. આ દરમિયાન ટેલર સાથે તેની પત્ની અને બાળકો પણ હતા. રોસ ટેલરની નેધરલેન્ડ સામે આ મેચ ન્યુઝીલેન્ડ માટે 450 મી અને છેલ્લી મેચ હતી, જેની સાથે 16 વર્ષના તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો પણ અંત આવ્યો હતો. આ 38 વર્ષીય બેટ્સમેને આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તે પોતાના હોમ ગ્રાઉન્ડ હેમિલ્ટન પર છેલ્લી મેચ રમીને ક્રિકેટને બાય-બાય કહેવા ઇચ્છતો હતો. રોસ ટેલરે ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે જેમાં તેણે 15,000 થી વધુ રન બનાવ્યા છે.
રોસ ટેલરે વર્ષ 2006 માં ન્યુઝીલેન્ડ માટે પોતાની પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેના આગામી વર્ષ તેણે પહેલી ટેસ્ટ રમી. રોસ ટેલેરે 112 ટેસ્ટ મેચમાં 19 સદીની મદદથી 7684 રન બનાવ્યા. ટેલરે 236 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં 8593 રન બનાવ્યા અને 102 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 1909 રન બનાવ્યા. ટેલર દુનિયાનો એકમાત્ર ખેલાડી છે, જેણે ત્રણે ફોર્મેટમાં 100 થી વધારે ઇન્ટરનેશનલ મેચ રમી છે.
2011 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે રોસ ટેલરની 131 રનની ઇનિંગ્સ યાદગાર બની રહી છે, આ સિવાય તેણે ઇંગ્લેન્ડ સામે 181 રનની અણનમ ઇનિંગ રમી હતી અને વનડે ક્રિકેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો.
તે મેદાન પર આવતા જ પ્રેક્ષકોએ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું. જ્યારે તે 14 રન બનાવીને આઉટ થઈને પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેના ચહેરા પર હળવું સ્મિત હતું. તે નેધરલેન્ડના ખેલાડીઓની વચ્ચેથી નિકળી બહાર ગયો હતો. આ દરમિયાન પ્રેક્ષકોએ ઉભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું. માર્ટિન ગુપ્ટિલ અનુભવી ક્રિકેટરને સાંત્વના આપતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, ટેલરની પત્ની વિક્ટોરિયા અને તેનો પરિવાર પણ ત્યાં હાજર હતો.