T20 World Cup 2024: USA ભારત સામે પણ કરી શકે છે ઉલટફેર, એક ગુજરાતી સહિત આ 5 ખેલાડીઓથી રહેવું પડશે સાવધાન
IND vs USA: ભારત અને યુએસએ બંનેએ તેમની અત્યાર સુધીની તમામ મેચો જીતી છે અને ગ્રુપ A ના સ્ટેન્ડિંગમાં ટોપ-2માં છે
IND vs USA: T20 વર્લ્ડ કપ 2024માં (ICC Mens T20 World Cup 2024) ભારત અને યુએસએ (India vs USA) વચ્ચે 12 જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં (Nassau County International Cricket Stadium New York) મેચ રમાશે. ભારત અને યુએસએ બંનેએ તેમની અત્યાર સુધીની તમામ મેચો જીતી છે અને ગ્રુપ A ના સ્ટેન્ડિંગમાં ટોપ-2માં છે. ભારતીય સમય અનુસાર આ મેચ બુધવારે રાત્રે 8 વાગે શરૂ થશે અને આ મેચનો વિજેતા ગ્રુપ Aમાં ટોચ પર પહોંચી જશે. તમને જણાવી દઈએ કે આ એ જ યુએસએ ટીમ છે, જેણે લગભગ એક અઠવાડિયા પહેલા પાકિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ યુએસએના તે 5 ખેલાડીઓ વિશે, જેમની સામે ભારતીય ટીમને સાવધ રહેવું પડશે.
- એરોન જોન્સ
એરોન જોન્સ એ જ બેટ્સમેન છે જેણે T20 વર્લ્ડ કપની પોતાની પહેલી જ મેચમાં 40 બોલમાં 94 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 10 સિક્સર પણ ફટકારી હતી. જોન્સે પાકિસ્તાન સામેની મેચમાં બતાવ્યું કે તે દબાણમાં પણ ધીરજથી રમી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે 26 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. સુપર ઓવરમાં જોન્સે યુએસએ તરફથી 18માંથી 11 રન બનાવ્યા હતા. એરોન જોન્સ ખાસ કરીને સ્પિન બોલરોને માત આપે છે.
- મોનાંક પટેલ
મોનાંક પટેલ યુએસએ ટીમનો કેપ્ટન છે અને પાકિસ્તાન સામેની મેચમાં તેની અડધી સદીની ઇનિંગ્સે તેનો આત્મવિશ્વાસ વધાર્યો હશે. પટેલે તે મેચમાં 38 બોલમાં 50 રન બનાવ્યા હતા. મોનાંક લાંબો સમય ક્રિઝ પર રહેવાનું પસંદ કરે છે અને તે જેટલો લાંબો સમય ક્રિઝ પર રહે છે તેટલી જ તે ભારતીય ટીમ માટે વધુ સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ સિવાય મોનાંક એક ઉત્તમ કીપર પણ છે, જેણે આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 12 સ્ટમ્પિંગ કર્યા છે. તે ગુજરાતનો છે.
- નોશતુશ કેંઝિગે
નોશતુશ કેંઝિગે ઓફ-સ્પિન બોલિંગ કરે છે. જોકે કેનેડા સામેની મેચમાં તેને તક મળી ન હતી, પરંતુ તેણે પાકિસ્તાની ટીમની મિડલ ઓર્ડરની બેટિંગની કમર તોડી નાખી હતી. તેણે પાકિસ્તાન સામે 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. બીજી તરફ, આયર્લેન્ડના ક્રેગ યંગે બતાવ્યું હતું કે ન્યૂયોર્કની પિચ સ્પિન બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોએ નોશતુશ કેંજીગેથી સાવચેત રહેવાની જરૂર પડશે.
- કોરી એન્ડરસન
કોરી એન્ડરસન ન્યુઝીલેન્ડ તરફથી રમી ચૂક્યો છે અને તેના અનુભવથી ચોક્કસપણે યુએસએ ક્રિકેટને ઘણો ફાયદો થયો છે. જો કે એન્ડરસન બેટિંગ ક્રમમાં નીચે આવી રહ્યો છે અને ઓછી બોલિંગ કરી રહ્યો છે, પરંતુ મેદાન પર તેની હાજરી યુએસએ ટીમની મજબૂત કડી જેવી હશે. ભારતીય ટીમે એ ન ભૂલવું જોઈએ કે એન્ડરસન એક T20 નિષ્ણાત ખેલાડી છે, જે જ્યારે તેનો દિવસ હોય ત્યારે વિરોધી ટીમને બેટ અને બોલથી પરસેવો પાડી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 634 રન અને 16 વિકેટ પણ છે.
- સૌરભ નેત્રાવલકર
લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સૌરભ નેત્રાવલકર ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે પાકિસ્તાન સામેની મેચમાં તેણે મોહમ્મદ રિઝવાનને ચકમો આપીને કીપરના હાથે કેચ થયો. જે બાદ તે ઇફ્તિખાર અહેમદને LBW આઉટ કરવામાં સફળ રહ્યો હતો. સૌરભની ખાસિયત એ છે કે તેનો બોલ હિટ થયા બાદ ઘણીવાર કર્વ બદલી નાખે છે અને તેની આ હિલચાલ ભારતીય બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. પાકિસ્તાન સામેની મેચમાં તેણે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.