Team India: ઈગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ, હવે ક્યારે મેદાન પર જોવા મળશે ટીમ ઈન્ડિયા?
ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ પૂરો થયો છે. શુભમન ગિલની ટીમે આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

ભારતીય ટીમનો ઇંગ્લેન્ડ પ્રવાસ પૂરો થયો છે. શુભમન ગિલની ટીમે આ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું. 5 મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી બરાબર રહી હતી, પરંતુ દરેક મેચમાં ભારતનો દબદબો રહ્યો. જો નસીબે સાથ આપ્યો હોત તો પરિણામ 4-0થી આવી શક્યું હોત. ભારતીય ટીમ જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. પહેલી ટેસ્ટ હાર્યા બાદ ટીમે બીજી જીતી હતી. ઇંગ્લેન્ડે ત્રીજી મેચ જીતી અને ચોથી ડ્રો રહી હતી. ભારતે છેલ્લા દિવસે ઓવલ મેદાન પર 5મી ટેસ્ટ જીતી હતી.
હવે એક મહિનાથી વધુનો આરામ
ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી પછી લગભગ એક મહિના સુધી આરામ કરશે. ભારતની હવે ઓગસ્ટમાં કોઈ મેચ નથી. અગાઉ ટીમ બાંગ્લાદેશનો પ્રવાસ કરવાની હતી. ત્રણ મેચની T20 શ્રેણી અને ત્રણ વન-ડે મેચ રમવાની હતી. પરંતુ ગયા મહિને જ BCCIએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે બાંગ્લાદેશનો પ્રવાસ મુલતવી રાખવામાં આવ્યો છે. હવે ભારત આવતા વર્ષે બાંગ્લાદેશનો પ્રવાસ કરશે.
ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે
ભારતીય ક્રિકેટ ટીમ હવે એશિયા કપ 2025માં મેદાન પર જોવા મળશે. આ ટુર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન ટી-20 ફોર્મેટમાં આયોજિત થશે. ભારતીય ટીમે 10 સપ્ટેમ્બરે UAE સામે પોતાની પ્રથમ મેચ રમશે. આ પછી ટીમ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. ભારત 19 સપ્ટેમ્બરે ઓમાન સામે ટકરાશે. આ પછી સુપર-4 મેચ રમાશે. ત્યાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટકરાવ શક્ય છે.
ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ
જો આપણે ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ભારતીય ટીમ ઓક્ટોબરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેદાનમાં ઉતરશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થશે. મેચ અમદાવાદ અને દિલ્હીમાં રમાશે. આ પછી ભારત 19 થી 25 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં ત્રણ વનડે રમશે. ત્યારબાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા મેદાન પર જોવા મળશે.
શુભમન ગિલે ઓવલ ખાતેની જીત વિશે શું કહ્યું ?
ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે બંને ટીમોએ સમગ્ર શ્રેણી દરમિયાન શાનદાર રમત રમી હતી. તે સારું લાગે છે કે આજે અમે વિજેતા થયા. જ્યારે તમારી પાસે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા જેવા બોલરો હોય છે ત્યારે તમારા માટે કેપ્ટનશિપ સરળ બની જાય છે. શુભમન ગિલે આગળ કહ્યું કે હા, અમારા પર ઘણું દબાણ હતું, પરંતુ તેમણે ખૂબ જ સારી બોલિંગ કરી છે.



















