India vs SA: બોક્સિંગ ડે ટેસ્ટમાં જીત સાથે વિરાટ કોહલીએ બનાવ્યો આ ખાસ રેકોર્ડ
સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે યજમાન સાઉથ આફ્રિકાને 113 રનથી હાર આપીને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લઇ લીધી છે.
સેન્ચુરિયનઃ IND vs SA, 1st Test: સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે યજમાન સાઉથ આફ્રિકાને 113 રનથી હાર આપીને ત્રણ મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લઇ લીધી છે. ભારતે મેચ જીતવા આપેલા 305 રનના ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે વિરાટ કોહલીએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
કેપ્ટન વિરાટ કોહલી બે બોક્સિંગ ડે ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયાને મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં હાર આપી હતી. ભારતે તે મેચમાં 137 રનથી જીત મેળવી હતી. આ જીત બાદ સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 113 રનથી જીત મેળવતા કોહલીની કેપ્ટન તરીકે બોક્સિંગ ડેની બીજી જીત છે. કોહલી આ સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો છે.
વિરાટ કોહલી પાસે આગામી બે ટેસ્ટ મેચમાં સારા પ્રદર્શનની આશા છે. કોહલીએ સેન્ચુરિયન ટેસ્ટની બંન્ને ઇનિંગમાં કુલ 53 રન બનાવ્યા છ. આ જીત સાથે સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ટીમ ઇન્ડિયા જીતે તેવી સંભાવના ઉભી થઇ છે. ટીમ ઇન્ડિયાએ હજુ સુધી સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતી નથી.
#TeamIndia go 1-0 up in the series with their first ever Test win at Centurion.#SAvIND pic.twitter.com/DB68dMunHL
— BCCI (@BCCI) December 30, 2021
કોહલીની આગેવાની વાળી ટીમે શાનદાર રમત બતાવતા પ્રથમ ટેસ્ટમાં જીત અપાવી છે. ભારતે પહેલીવાર સેન્ચૂરિયન મેદાન પર દક્ષિણ આફ્રિકન ટીમે હરાવીને ઇતિહાસ રચી દીધો છે. આ મેદાન પર ટીમ ઇન્ડિયાની આ ફોર્મેટમાં પહેલી જીત છે. ભારતીય બૉલરોની ધારદાર બૉલિંગ સામે આફ્રિકન બેટ્સમેનો ના ટકી શક્યા અને માત્ર 191 રનમાં તંબુ ભેગા થઇ ગયા હતા. આ સાથે જ ભારત ટેસ્ટ સીરીઝમાં 1-0થી આગળ નીકળી ગયુ છે.