BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL profit: તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કાકોલી ઘોષે લોકસભામાં સંચાર મંત્રીને સીધો સવાલ કર્યો હતો કે શું અબજો રૂપિયાના રિવાઈવલ પેકેજ આપવા છતાં BSNL હજુ પણ નુકસાન સહન કરી રહ્યું છે?

BSNL profit: સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારી ટેલિકોમ કંપની BSNL ની આર્થિક તંદુરસ્તી અંગે સરકારને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. જેના જવાબમાં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ દાવો કર્યો છે કે BSNL હવે ખોટ ખાતી કંપની નથી રહી, પરંતુ તે 'ઓપરેટિંગ પ્રોફિટ' (કામકાજી નફો) કરી રહી છે. સરકારે અત્યાર સુધીમાં કંપનીને બેઠી કરવા માટે કેટલા લાખ કરોડનું પેકેજ આપ્યું અને 4G-5G નેટવર્કની શું સ્થિતિ છે, તેના સત્તાવાર આંકડા સંસદમાં રજૂ કર્યા હતા.
શું BSNL હજુ પણ નુકસાન કરી રહ્યું છે?
તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કાકોલી ઘોષે લોકસભામાં સંચાર મંત્રીને સીધો સવાલ કર્યો હતો કે શું અબજો રૂપિયાના રિવાઈવલ પેકેજ આપવા છતાં BSNL હજુ પણ નુકસાન સહન કરી રહ્યું છે? તેમણે છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા આપવામાં આવેલા પેકેજ અને 4G નેટવર્કના રોલઆઉટમાં થઈ રહેલા વિલંબ અંગે સ્પષ્ટતા માંગી હતી.
સરકારનો જવાબ: 2020-21 થી ગાડી પાટા પર ચડી
આ પ્રશ્નના જવાબમાં સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સકારાત્મક ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે ગૃહને જણાવ્યું હતું કે સરકારના પ્રયાસો અને વિવિધ પેકેજોને કારણે BSNL ની સ્થિતિ સુધરી છે. નાણાકીય વર્ષ 2020-21 થી BSNL એ 'ઓપરેટિંગ પ્રોફિટ' કમાવવાનું શરૂ કરી દીધું છે, જે કંપની માટે સારા સંકેત છે.
સરકારે અત્યાર સુધીમાં આપ્યા 4 મોટા બૂસ્ટર ડોઝ
મંત્રીએ BSNL ને ફરીથી બેઠી કરવા માટે અપાયેલા આર્થિક પેકેજોનો વિગતવાર હિસાબ આપ્યો હતો:
2019: સૌપ્રથમ ₹69,000 કરોડ નું રિવાઈવલ પેકેજ આપવામાં આવ્યું, જેનો ઉપયોગ ખર્ચ ઘટાડવા માટે થયો.
2022: ત્યારબાદ ₹1,64,000 કરોડ નું બીજું જંગી પેકેજ જાહેર કરાયું. જેમાં નવું મૂડી રોકાણ, જૂના દેવાની ભરપાઈ અને ગ્રામીણ ટેલિફોન સુવિધા સુધારવાનો સમાવેશ થતો હતો.
2023: 4G અને 5G સ્પેક્ટ્રમની ફાળવણી માટે ₹89,000 કરોડ મંજૂર કરવામાં આવ્યા.
2025: દેશભરમાં 4G નેટવર્ક પાથરવા માટે વધારાના ₹6,982 કરોડ ની CAPEX (મૂડી ખર્ચ) સહાય આપવામાં આવી.
આમ, અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ સરકારી કંપની પાછળ કુલ ₹2,54,575.39 કરોડ નો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.
સ્વદેશી 4G અને 5G ની તૈયારી
'આત્મનિર્ભર ભારત' મિશન હેઠળ BSNL વિદેશી કંપનીઓ પર નિર્ભર રહેવાને બદલે સંપૂર્ણ સ્વદેશી 4G ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. આંકડા મુજબ:
BSNL એ અત્યાર સુધીમાં કુલ 97,401 4G સાઈટ્સ ઈન્સ્ટોલ કરી છે.
જેમાંથી 30 નવેમ્બર, 2025 સુધીમાં 94,458 સાઈટ્સ સંપૂર્ણ રીતે કાર્યરત (Operational) થઈ ગઈ છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ સાધનો ટેકનિકલી અપગ્રેડેબલ છે, એટલે કે ભવિષ્યમાં તેને સરળતાથી 5G માં કન્વર્ટ કરી શકાશે.





















