SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
ચૂંટણી પંચે આપી ખાસ સુવિધા: જો ફોર્મ સબમિટ થઈ ગયું હશે તો સ્ક્રીન પર આવશે આવો મેસેજ, સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા જાણો.

SIR-2 form check: દેશભરમાં અત્યારે મતદાર યાદી સુધારણા માટે SIR (ખાસ સઘન પુનરાવર્તન) ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. લાખો નાગરિકોએ પોતાના ફોર્મ ભરીને બૂથ લેવલ ઓફિસર (BLO) ને જમા કરાવ્યા છે. પરંતુ શું તમને ખાતરી છે કે તમારું ફોર્મ ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ થઈ ગયું છે? હવે તમારે ચિંતા કરવાની કે ક્યાંય જવાની જરૂર નથી. ચૂંટણી પંચે એક ઓનલાઈન સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા તમે ઘરે બેઠા જાણી શકો છો કે તમારું ફોર્મ ડિજિટાઈઝ થયું છે કે બાકી છે.
ડિજિટલ વેરિફિકેશન: તમારી જાગૃતિ જરૂરી
ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી SIR ઝુંબેશમાં પારદર્શિતા લાવવા માટે ઓનલાઈન ટ્રેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમે ભલે BLO ને ફિઝિકલ ફોર્મ આપી દીધું હોય, પરંતુ તે ઓનલાઈન સિસ્ટમમાં ચડ્યું છે કે નહીં તે જાણવું એક જાગૃત મતદાર તરીકે તમારી ફરજ છે. આ પ્રક્રિયા મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ખૂબ જ સરળતાથી કરી શકાય છે.
સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ: કેવી રીતે ચેક કરશો સ્ટેટસ?
જો તમે જાણવા માંગો છો કે તમારું 'ગણતરી ફોર્મ' (Enumeration Form) અપલોડ થયું છે કે નહીં, તો નીચેના પગલાં અનુસરો:
વેબસાઈટ પર જાઓ: સૌ પ્રથમ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ voters.eci.gov.in ઓપન કરો.
વિકલ્પ પસંદ કરો: હોમપેજ પર તમને 'Special Intensive Revision (SIR) - 2026' સેક્શન જોવા મળશે. ત્યાં 'Fill Enumeration Form' પર ક્લિક કરો.
લોગ-ઈન કરો: તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા EPIC નંબર (વોટર આઈડી નંબર) નો ઉપયોગ કરીને લોગ-ઈન કરો. (જો તમે પહેલીવાર આ પોર્ટલ પર આવ્યા હોવ, તો પહેલા 'Sign Up' કરીને એકાઉન્ટ બનાવવું પડશે).
વિગતો ભરો: લોગ-ઈન થયા બાદ તમારું રાજ્ય પસંદ કરો અને તમારો EPIC નંબર દાખલ કરીને 'Search' બટન પર ક્લિક કરો.
પરિણામ જુઓ: હવે તમારી સ્ક્રીન પર તમારા ફોર્મનું સ્ટેટસ દેખાશે.
સ્ક્રીન પર દેખાતા મેસેજનો અર્થ શું છે?
જો ફોર્મ અપલોડ થઈ ગયું હોય: જો BLO એ તમારું કામ પૂરું કરી દીધું હશે, તો સ્ક્રીન પર એક મેસેજ આવશે: "Your form has already been submitted. Please contact your BLO for further details." (તમારું ફોર્મ સબમિટ થઈ ગયું છે. વધુ માહિતી માટે BLO નો સંપર્ક કરો). આ મેસેજ આવે તો નિશ્ચિંત થઈ જવું.
જો ફોર્મ અપલોડ ન થયું હોય: જો આ કન્ફર્મેશન મેસેજ ન આવે અને તેની જગ્યાએ એક 'ખાલી ફોર્મ' (Blank Form) ખુલી જાય, તો સમજવું કે તમારો ડેટા હજુ સુધી ઓનલાઈન અપલોડ થયો નથી.
જો ડેટા અપલોડ ન થયો હોય તો શું કરવું?
જો તમને સ્ટેટસમાં 'Submitted' ન દેખાય તો ગભરાવાની જરૂર નથી. BLO તબક્કાવાર ફોર્મ અપલોડ કરવાની કામગીરી કરતા હોય છે, તેથી થોડો સમય રાહ જોવી હિતાવહ છે. જો લાંબા સમય સુધી સ્ટેટસ અપડેટ ન થાય અથવા પોર્ટલ પર કોઈ ખોટી વિગતો દેખાય, તો તમારે તાત્કાલિક તમારા વિસ્તારના નિયુક્ત BLO નો સંપર્ક કરીને સ્પષ્ટતા મેળવી લેવી જોઈએ.





















