T20 World Cup 2024માં વિરાટ કોહલીને નડી મોટી મુશ્કેલી, પ્રથમ મેચ નહીં રમી શકે, જાણો શું છે મામલો
Virat Kohli T20 World Cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત ICC T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ 25 મેના રોજ રવાના થઈ ગઈ છે
Virat Kohli T20 World Cup 2024: અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં આયોજિત ICC T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ બેચ 25 મેના રોજ રવાના થઈ ગઈ છે. ટીમના મુખ્ય કૉચ રાહુલ દ્રવિડ સહિત ઘણા ખેલાડીઓ અને ટીમ સ્ટાફ તેમાં સામેલ હતા. બાકીના ખેલાડીઓ IPL 2024ની ફાઇનલ મેચ બાદ રવાના થશે. જોકે, પ્રથમ બેચમાં વિરાટ કોહલીને પણ મુખ્ય કૉચ સાથે અમેરિકા જવાનું હતુ, પરંતુ તેનો અમેરિકાનો પ્રવાસ થોડા દિવસો માટે રોકાઇ ગયો છે, એટલે કે વિરાટ કોહલી ટીમ સાથે અમેરિકા નથી જઇ શક્યો.
પેપરવર્કની જાળમાં ફસાયો વિરાટ
ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અમેરિકા જવા રવાના થઈ રહેલા ખેલાડીઓની પ્રથમ બેચમાં સામેલ થઈ શક્યો નથી. તેનું કારણ કેટલાક અગત્યના પેપરોમાં વિલંબ હતો, વિરાટ પેપરવર્કમાં ફસાયો છે. રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓ મુંબઈ પહોંચ્યા અને કૉચ રાહુલ દ્રવિડ અને ટીમના બાકીના સભ્યો સાથે નીકળી ગયા હતા, પરંતુ કોહલી ત્યાં જોવા મળ્યો ન હતો. હવે સમાચાર આવ્યા છે કે વિરાટ તેનું બાકી રહેલું પેપરવર્ક પૂરી કરીને 30 મેના રોજ અમેરિકા જશે. મતલબ કે ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા બાંગ્લાદેશ સામેની પ્રેક્ટિસ મેચમાં રમવું તેના માટે મુશ્કેલ બની શકે છે. વિરાટ કોહલી બાંગ્લાદેશ સામેની આ પ્રથમ મેચમાં નહીં રમી શકે.
કોહલી ઉપરાંત ટીમનો ઉપ-કેપ્ટન હાર્દિક પંડ્યા પણ પ્રથમ બેચ સાથે ગયો નથી. હાર્દિક હાલમાં લંડનમાં છે અને ત્યાંથી સીધો જ ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે, ત્યાર બાદ પાંચ દિવસ પછી ન્યૂયોર્કમાં તેનો સામનો પાકિસ્તાન સામે થશે.
શાનદાર ફોર્મમાં છે કોહલી
જો કે કોહલીની ગેરહાજરી ચોક્કસપણે ટીમ માટે થોડી મુશ્કેલી ઊભી કરી શકે છે, પરંતુ ભારતીય ચાહકો તેના ફોર્મને જોઈને ઘણા ખુશ છે. વિરાટે IPL 2024માં શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું હતું. તે આ સિઝનમાં ઓરેન્જ કેપ માટે પણ લાયક બન્યો હતો. તેણે 15 મેચમાં 741 રન બનાવ્યા, તેની એવરેજ 61.75 અને સ્ટ્રાઈક રેટ 153થી વધુ હતી. આ તેનું આઈપીએલ કરિયરનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.
ભારતીય ટીમઃ -
રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વઃ - શુભમન ગીલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન.