IND vs ZIM 1st ODI: 189 રનો પર ઢેર થઈ ઝિમ્બાબ્વેની ટીમ, અક્ષર પટેલે પુરી કરી આ ખાસ 'ફિફ્ટી'
હરારેમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
Zimbabwe vs India 1st ODI: હરારેમાં રમાઈ રહેલી પ્રથમ વનડેમાં ટોસ હાર્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમ તરફથી કેપ્ટન રેજીસ ચકાબ્વાએ 35, રિચર્ડ નગારવાએ 34 અને બ્રાડ ઇવાન્સે અણનમ 33 રન બનાવ્યા હતા. તો ભારત તરફથી દીપક ચાહર, પ્રસિદ્ધ કૃષ્ણા અને અક્ષર પટેલે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે અક્ષર પટેલે ODI ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પણ પૂરી કરી છે.
એક સમયે યજમાન ટીમે માત્ર 110 રનમાં પોતાની આઠ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી રિચર્ડ નાગરવા અને બ્રાડ ઇવાન્સે 9મી વિકેટ માટે 70 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.
ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવાનું પસંદ કરતી ઝિમ્બાબ્વે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, તેણે 10.1 ઓવરમાં 31 રનમાં પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ દરમિયાન ઇનોસન્ટ કાઈયા (4), તદિવાનાશે મારુમાની (8), સીન વિલિયમ્સ (5) અને વેસલે મધેવેરે (1) જલ્દી પેવેલિયન પરત ફર્યા હતા. આ સાથે જ ઝિમ્બાબ્વેની અડધી ટીમ માત્ર 66 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. ત્યાર બાદ સિકંદર રઝા 12 રનનો સ્કોર બનાવીને આઉટ થયો હતો.
આ પછી રયાન બર્લે (11) 20.5 ઓવરમાં પ્રસિદ્ધ ક્રિષ્નાના બોલ પર શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો, જેના કારણે ઝિમ્બાબ્વેને 83 રન પર છઠ્ઠો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન રેજીસ ચકાબ્વાએ કેટલાક સારા શોટ્સ રમ્યા અને ટીમ માટે મહત્વપૂર્ણ રન ઉમેર્યા, પરંતુ 26.3 ઓવરમાં ચકબવા 35 રન બનાવીને અક્ષરના હાથે બોલ્ડ થયો. આ પછી અક્ષરે લ્યુક જોંગવે (13)ને પણ આઉટ કર્યો હતો. જેના કારણે ઝિમ્બાબ્વેની ટીમે 110 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી.
આ પછી બ્રેડ ઇવાન્સ અને રિચર્ડ નગારવાએ ભારતીય બોલરોનો હિંમતભેર સામનો કર્યો અને ઘણા સારા શોટ્સ રમ્યા હતા. બંને વચ્ચેની લાંબી ભાગીદારી (65 બોલમાં 70 રન) પ્રસિદ્ધ ક્રિષ્નાએ તોડી હતી જ્યારે તેણે રિચર્ડ નગારવાને 34 રન પર બોલ્ડ કરીને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ 39.2 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. આગલી ઓવરમાં, અક્ષરે વિક્ટર ન્યુચીને કેચ આઉટ કરાવ્યો હતો. આમ યજમાન ટીમ 40.3 ઓવરમાં 189 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈવાન્સ 33 રન બનાવીને અણનમ રહ્યો હતો.