ZIM vs GAM: ઝિમ્બાબ્વેએ રચ્યો ઇતિહાસ, ટી-20 ઇતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી
પ્રથમ બેટિંગ કરીને 344 રનનો જંગી સ્કોર બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેના બોલરોએ પણ સારુ પ્રદર્શન કર્યું હતું
ઝિમ્બાબ્વેએ T-20 ઈન્ટરનેશનલ ઈતિહાસના બે સૌથી મોટા રેકોર્ડ બનાવ્યા હતા. તેણે 20 ઓવરમાં 344 રન બનાવીને સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ બનાવ્યો અને પછી વિપક્ષી ટીમને માત્ર 54 રન પર ઓલઆઉટ કરીને ટી-20 ઈતિહાસની સૌથી મોટી જીત પણ હાંસલ કરી હતી. આ સિવાય સિકંદર રઝાએ માત્ર 33 બોલમાં સદી ફટકારી હતી.
T-20 ઇન્ટરનેશનલમાં સર્વોચ્ચ સ્કોર
નૈરોબીમાં રમાયેલા T20 વર્લ્ડ કપના આફ્રિકા ક્વોલિફાયરમાં ઝિમ્બાબ્વેએ ગેમ્બિયા સામે ચાર વિકેટે 344 રન બનાવીને આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં સર્વોચ્ચ સ્કોરનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ઝિમ્બાબ્વેએ નેપાળના રેકોર્ડને પાછળ છોડી દીધો, જેણે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં મંગોલિયા સામે 314 રન કર્યા હતા. આ મેચમાં ઝિમ્બાબ્વેએ 27 સિક્સ અને 30 ફોર ફટકારી હતી.
T-20માં રન મામલે સૌથી મોટી જીત
પ્રથમ બેટિંગ કરીને 344 રનનો જંગી સ્કોર બનાવ્યા બાદ ઝિમ્બાબ્વેના બોલરોએ પણ સારુ પ્રદર્શન કર્યું હતું. ગેમ્બિયા માત્ર 54 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. માત્ર એક બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો હતો. આ રીતે ઝિમ્બાબ્વેએ 290 રનની T-20 ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત નોંધાવી હતી. આ પહેલા આ રેકોર્ડ નેપાળના નામે હતો જેણે મંગોલિયાને 273 રનથી હરાવ્યું હતું. ત્રીજા નંબર પર ચેક રિપબ્લિક છે, જેણે તુર્કીને 257 રનથી હરાવ્યું હતું.
Sikandar Raza became the first Zimbabwe player to score a men's T20I century with a superb 133* against Gambia 🔥
— ICC (@ICC) October 23, 2024
More 👉 https://t.co/QJZzBlnikM pic.twitter.com/Nuh2nfZOjd
બીજી સૌથી ઝડપી ટી20 સદી
IPLમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા ઝિમ્બાબ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ગ્રુપ બીની આ મેચમાં 43 બોલમાં 15 સિક્સરની મદદથી અણનમ 133 રન ફટકારીને ઝિમ્બાબ્વેને વર્લ્ડ રેકોર્ડ સ્કોર સુધી લઈ જવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. રઝાએ 33 બોલમાં સદી ફટકારી હતી, જે T20 ઈન્ટરનેશનલમાં સંયુક્ત બીજી સૌથી ઝડપી સદી છે. જો કે રઝાની 15 છગ્ગા T20 ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો વર્લ્ડ રેકોર્ડ નથી, પરંતુ આ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. સાહિલે સાયપ્રસ સામે 18 સિક્સર ફટકારી હતી.
ટેસ્ટ રમી રહેલી ટીમનો સૌથી વધુ કુલ સ્કોર
આ મહિનાની શરૂઆતમાં હૈદરાબાદમાં બાંગ્લાદેશ સામે ભારતના છ વિકેટે 297 રનને પાછળ છોડીને ઝિમ્બાબ્વે તમામ ટેસ્ટ રમતા દેશોમાં T20માં સૌથી વધુ સ્કોર કરનારી ટીમ પણ બની હતી. ગેમ્બિયાનો મોસેસ જોબર્તેહ આ મેચમાં ચાર ઓવરમાં 93 રન આપીને સૌથી મોંઘો બોલર બન્યો હતો. અગાઉ T-20 ઈન્ટરનેશનલમાં શ્રીલંકાના કસુન રાજિથાએ ચાર ઓવરમાં 75 રન આપ્યા હતા.