Euro 2024: ફ્રાન્સે પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રિયાને 1-0થી હરાવ્યું, કિલિયન એમ્બાપ્પેનું નાક તૂટ્યું
યુરો કપ 2024માં પોતાની પ્રથમ મેચમાં ફ્રાન્સે ઓસ્ટ્રિયાને 1-0થી હરાવ્યું હતું. જોકે આ મેચમાં ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પે ઇજાગ્રસ્ત થયો હતો.
Euro 2024: યુરો કપ 2024માં પોતાની પ્રથમ મેચમાં ફ્રાન્સે ઓસ્ટ્રિયાને 1-0થી હરાવ્યું હતું. જોકે આ મેચમાં ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કિલિયન એમ્બાપ્પેનું નાક તૂટવાના કારણે અધવચ્ચેથી જ મેદાન છોડવું પડ્યું હતું.
France off to a winning start in Group D 🇫🇷💪#EURO2024 | #AUTFRA pic.twitter.com/zDJXzh0gc1
— UEFA EURO 2024 (@EURO2024) June 17, 2024
ફ્રાન્સે સોમવારે ગ્રુપ-ડીની પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રિયા પર 1-0થી જીત હાંસલ કરી હતી. પ્રથમ હાફમાં એમ્બાપ્પેના ક્રોસથી ઓસ્ટ્રિયાના ડિફેન્ડર મેક્સિમિલિયન વોબરે આત્મઘાતી ગોલ કર્યો હતો જે મેચમાં વિજયી ગોલ સાબિત થયો હતો.
એમ્બાપ્પે બીજા હાફમાં ઓસ્ટ્રિયાના ડિફેન્ડર કેવિન ડેનસો સાથે ટકરાયો હતો. જેના કારણે તેને નાકમાં ઇજા પહોંચી હતી. તેના નાકમાંથી લોહી આવવા લાગ્યું હતું. મેચ બાદ ફ્રાન્સના કોચે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે એમ્બાપ્પેને નાકમાં ગંભીર ઇજા પહોંચી છે.
ઓસ્ટ્રિયાના રાલ્ફ રંગનિકના નેતૃત્વમાં રમતમાં સુધાર કર્યો હતો અને તેણે 2022 વર્લ્ડકપની ઉપવિજેતા ટીમ ફ્રાન્સને દબાણમા લાવ્યું હતું. જેની ટક્કરથી એમ્બાપ્પેને મેદાન છોડવું પડ્યું હતું. કિલિયન એમ્બાપ્પેના નજીકના સૂત્રોએ પુષ્ટી કરી હતી કે કેવિન ડેન્સો સાથેની અથડામણમાં તેનું નાક તૂટી ગયું હતું.
ફ્રાન્સના કોચ ડિડિએર ડેસચેમ્પ્સે કહ્યું હતું કે તે (એમ્બાપ્પે) ખરાબ હાલતમાં છે. તે સ્વસ્થ નથી. તેના નાકમાં ઇજા પહોંચી છે. આ અમારા માટે ખૂબ ખરાબ છે.
તેમણે કહ્યું હતું કે વિજય સાથે શરૂઆત કરવી સારી છે. કિલિયન એમ્બાપ્પેની ઈજા હોવા છતાં ફ્રાન્સ વિજયી બનીને રાહત અનુભવશે. કિલિયન એમ્બાપ્પે અને અન્ય ફ્રેન્ચ ખેલાડીઓએ તાજેતરના દિવસોમાં મીડિયા સમક્ષ તેમનો મોટાભાગનો સમય દેશમાં આવનારી ચૂંટણીઓ અંગેના પ્રશ્નોના જવાબ આપવામાં વિતાવ્યો હતો.
એક રિપોર્ટ અનુસાર, કિલિયન એમ્બાપ્પે ગ્રુપ સ્ટેજની આગામી બે મેચમાં નહી રમે તેવી શક્યતા છે. ફ્રાન્સ આગામી બે મેચમાં નેધરલેન્ડ અને પોલેન્ડ સામે રમશે. ફ્રાન્સની ટીમ 21 જૂને પોતાની આગામી ગ્રુપ સ્ટેજની મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે.