Ind Vs SL, 1 ODI: ધવનની કેપ્ટન ઈનિંગ, ભારતે શ્રીલંકાને 7 વિકેટથી કચડ્યું
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન શિખર ધવને અણનમ 86 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
કોલંબોઃ શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ લઈ લીધી છે.
પૃથ્વી શો, ઈશાન કિશનની તોફાની બેટિંગ
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન શિખર ધવને અણનમ 86 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શોએ 24 બોવલમા 43 રન, ઈશાન કિશને 42 બોલમાં 59 રન તથા મનીષ પાંડેએ 40 બોલમાં 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ધનંજય ડિ સિલ્વાએ 2 તથા સંદાકને 1 વિકેટ લીધી હતી.
A comprehensive 7-wicket win for #TeamIndia to take 1-0 lead in the series🙌
— BCCI (@BCCI) July 18, 2021
How good were these two in the chase! 👏👏
8⃣6⃣* runs for captain @SDhawan25 👊
5⃣9⃣ runs for @ishankishan51 on ODI debut 💪
Scorecard 👉 https://t.co/rf0sHqdzSK #SLvIND pic.twitter.com/BmAV4UiXjZ
શ્રીલંકાની આવી રહી બેટિંગ
શ્રીલંકન ટીમે પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી 9માં ક્રમે બેટિંગમાં આવેલા કરૂણારત્ને 35 બોલમાં 43 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. જે શ્રીલંકાની ટીમનો ટોપ સ્કોરર હતો. શ્રીલંકાની ટીમે અંતિમ પાંચ ઓવરમાં 52 રન ફટકાર્યા હતા. જેના કારણે તેઓ આટલા સ્કોર સુધી પહોંચી શક્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલે 2-2 તથા ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ 1-1 વિકેટ લીધી હતી. શ્રીલંકાની ટીમે આ સાથે એક રેકોર્ડ બનાવ્યો હતો. શ્રીલંકાની ટીમે કોઈપણ ખેલાડીના 50 કે તેથી વધુ રન વગર અત્યાર સુધીનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આ પહેલા શ્રીલંકાની ટીમે જયપુરમાં પાકિસ્તાન સામે 2006માં 253 રન બનાવ્યા હતા, ત્યારે પણ કોઈ ખેલાડી ફિફ્ટી ફટકારી શકયો નહોતો. તે પહેલા 2009માં શ્રીલંકાની ટીમે પાકિસ્તાન સામે ડંબુલામાં 9 વિકેટે 232 રન બનાવ્યા ત્યારે પણ કોઈ ખેલાડી 50 નહોતો મારી શક્યો.
ઈશાન કિશને બર્થ ડે ના દિવસે કર્યુ ડેબ્યૂ
ઈન્ડિયન ટીમના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનનો આજે બર્થ ડે છે. આની પહેલા ઈશાને માર્ચમાં ઇંગ્લેન્ડ સામે T-20માં ડેબ્યૂ કર્યું હતું. તે બર્થડે પર ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂ કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આની પહેલા 1990માં ગુરશન સિંહે ઓસ્ટ્રેલિયા સામે બર્થડે પર ડેબ્યૂ કર્યું હતું. ઈશાન કિશન આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર 16મો ખેલાડી છે.
ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
શ્રીલંકાની ટીમઃ દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, ઇસરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.