ઓવલઃ ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમે 48 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 160 રન બનાવી લીધા છે. હાલ ભારત ઈંગ્લેન્ડથી 172 રન પાછળ છે. ભારત તરફથી શિખર ધવને 6, પૂજારા અને કેએલ રાહુલે 37-37 રનનું યોગદાન આપ્યું હતું. રહાણે ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. વિરાટ કોહલી 49 રન અને રિષભ પંત 5 રને આઉટ થયો હતો.
2/5
ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 332 રન બનાવ્યા બાદ બેટિંગમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત નબળી રહી હતી. ભારતનો સ્કોર 6 રન પર પહોંચ્યો ત્યારે શિખર ધવન 3 રન બનાવી બ્રોડની ઓવરમાં પ્રથમ વિકેટના રૂપમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. જે બાદ પૂજારા અને કેએલ રાહુલે ઈનિંગને સ્થિરતા આપી હતી. ભારતનો સ્કોર 70 રન પર પહોંચ્યો ત્યારે રાહુલ 37 રનના અંગત સ્કોર પર સેમ કરનની ઓવરમાં બોલ્ડ થતાં ભારતને બીજો ફટકો લાગ્યો હતો. જે બાદ પૂજારા પણ 37 રન બનાવી એન્ડરસનની ઓવરમાં વિકેટકિપર બેરિસ્ટોના હાથે ત્રીજી વિકેટના રૂપમાં કેચ આઉટ થયો ત્યારે ભારતનો સ્કોર 101 રન હતો.
3/5
આ પહેલાં ઈંગ્લેન્ડની ટીમ બીજા દિવસે લંચ બ્રેક પછી 332 બનાવી ઓલઆઉટ થઈ હતી. બીજા દિવસે યજમાન ટીમનો સ્કોર 214 પર પહોંચ્યો ત્યારે રાશિદને 15 રને એલબીડબલ્યુ આઉટ કરાવી બુમરાહે ભારતને આઠમી સફળતા અપાવી હતી. જે બાદ બટલર અને બ્રોડ વચ્ચે 98 રનના પાર્ટનરશિપ થઈ હતી અને બંનેએ ઈંગ્લેન્ડનો સ્કોર 300 રનને પાર પહોંચાડ્યો હતો. બ્રોડ 38 રન બનાવી જાડેજાની ઓવરમાં રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. જે બાદ બટલરે ઝડપી બેટિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો અને 89 રનના સ્કોરે જાડેજાની બોલિંગમાં આઉટ થતાં જ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગનો 332 રન પર અંત આવ્યો હતો. ઈંગ્લેન્ડની છેલ્લી ત્રણ વિકેટે 151 રન જોડ્યા હતા. ભારત તરફથી જાડેજાએ સર્વાધિક 4 વિકેટ ઝડપી હતી.
4/5
ભારતીય ટીમે બે ફેરફાર કર્યા હતા. હાર્દિક પંડ્યાના સ્થાને હનુમા વિહારીએ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જ્યારે અશ્વિનની જગ્યાએ જાડેજાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
5/5
પ્રથમ દિવસે ઈંગ્લેન્ડે કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ રમતાં કૂકના 71 રન અને મોઇન અલીના 50 રનની મદદથી દિવસના અંતે 198 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી ઈશાંત શર્માએ 3 તથા જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.