IPL 2022: ફાઇનલને લઇને BCCIનો મોટો નિર્ણય, હવે આટલા વાગ્યે શરૂ થશે મેચ
આ પહેલા BCCIએ IPL 2023ને લઈને મોટી જાહેરાત કરી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, બોર્ડે સંભવિત પ્રસારણકર્તાને જાણ કરી હતી કે આવતા વર્ષથી આઈપીએલની સાંજની મેચ 8 વાગ્યાથી અને બપોરની મેચ 4 વાગ્યાથી શરૂ થશે
IPL 2022 final match timing: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની ફાઇનલ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચના સમયને લઇને ફેરફાર કરવામાં આવ્યો હતો. ફાઇનલ મેચ રાત્રે આઠ વાગ્યે શરૂ થશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. હાલમાં સાંજની મેચ 7:30 વાગ્યે શરૂ થાય છે, જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે થાય છે જ્યારે બપોરની મેચ 3:30 વાગ્યે શરૂ થાય છે અને ટોસ 3 વાગ્યે થાય છે.
સમાપન સમારોહ યોજાશે
રિપોર્ટ અનુસાર ફાઇનલ મેચ પહેલા IPLનો સમાપન સમારોહ યોજાશે. જેમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ થશે. સમાપન સમારોહ 29 મેના રોજ સાંજે 6:30 કલાકે શરૂ થશે અને 50 મિનિટ સુધી ચાલશે. આ પછી ટોસ 7:30 વાગ્યે થશે અને 8 વાગ્યે ફાઈનલ મેચ શરૂ થશે. નોંધનીય છે કે આ વર્ષે 26 માર્ચે ઉદ્ઘાટન સમારોહ યોજાયો ન હતો. પરંતુ સમાપન સમારોહ યોજવાનો નિર્ણય એપેક્સ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
આગામી સિઝન 8 વાગ્યે શરૂ થશે
આ પહેલા બુધવારે BCCIએ IPL 2023ને લઈને મોટી જાહેરાત કરી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, બોર્ડે સંભવિત પ્રસારણકર્તાને જાણ કરી હતી કે આવતા વર્ષથી આઈપીએલની સાંજની મેચ 8 વાગ્યાથી શરૂ થશે અને બપોરની મેચ 4 વાગ્યાથી શરૂ થશે. બીસીસીઆઈએ એમ પણ કહ્યું હતું કે તે 16મી સિઝનમાં વધુ ડબલ હેડર મેચ ન રાખવાનો પ્રયાસ કરશે. બોર્ડે 2023-27 માટે એટલે કે પાંચ વર્ષ માટે લીગના ટેલિવિઝન અને ડિજિટલ અધિકારો માટે બિડ કરવા રસ ધરાવતા પક્ષો માટે એક નિવેદન જાહેર કર્યું હતું. બોર્ડે કહ્યુ હતું કે આગામી સિઝનથી શરૂ થનારી IPLની મેચો ભારતીય સમય અનુસાર સાંજે 4 અને 8 વાગ્યે શરૂ થશે."
ફાઈનલ 29 મેના રોજ રમાશે
IPL 2022મા 22 મેના રોજ લીગ તબક્કાની મેચો સમાપ્ત થશે. આ પછી પ્લેઓફ મેચ 24 મેથી શરૂ થશે. ક્વોલિફાયર-1 24મી મેના રોજ રમાશે જ્યારે એલિમિનેટર 25મીએ રમાશે. આ બંને મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રમાશે. આ પછી ક્વોલિફાયર- 2 27 મેના રોજ રમાશે અને 29 મેના રોજ ફાઇનલ મેચ રમાશે. આ બંને મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાત અને લખનઉ હવે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયા છે.