IPL 2022: શુભમન ગિલે શાનદાર કેચ ઝડપી લુઈસને આઉટ કર્યો, જુઓ આ કેચનો વીડિયો
GT vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સે શાનદાર શરૂઆત કરી છે.
GT vs LSG: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સે શાનદાર શરૂઆત કરી છે. સોમવારે પહેલીવાર ગુજરાતની ટીમ લખનૌ સામે રમવા ઉતરી હતી અને ટીમે આવતાની સાથે જ પોતાની બોલિંગ તાકાત બતાવી હતી. શરુઆતમાં જ્યારે લખનૌની વિકેટ પડી રહી હતી ત્યારે ગુજરાતની સામે લખનૌની હાલત ખરાબ લાગી રહી હતી, આ દરમિયાન ગુજરાત ટાઇટન્સ (GT)ના સ્ટાર ખેલાડી શુભમન ગિલે અદ્ભુત કેચ પકડ્યો હતો.
લખનૌની (LSG) ઈનિંગની ચોથી ઓવર ચાલી રહી હતી ત્યારે ઈવાન લુઈસે વરુણ એરોનના બોલ પર એરિયલ શોટ રમ્યો હતો. બોલ લેગ સાઇડમાં ગયો અને 30 યાર્ડના વર્તુળમાં ઊભેલા શુભમન ગિલ દોડવા લાગ્યો હતો. બોલ શુભમન ગિલથી ઘણો દૂર હતો, તે પાછળની તરફ દોડી રહ્યો હતો અને લગભગ 20 યાર્ડ સુધી દોડ્યા બાદ તેણે કૂદકો માર્યો હતો અને કેચ ઝડપી પાડ્યો હતો. શુભમને આ શાનદાર કેચ ખૂબ જ સરળતાથી પકડ્યો હતો.
😱 What a Catch @ShubmanGill 👏👏👏👏👏👏👏 #IPL2022 ❤ pic.twitter.com/EqWe25heTW
— 🦋 Sathya🎱 (@Sathyaaaa8) March 28, 2022
અત્યારે માત્ર ચાર આઈપીએલ મેચ રમાઈ છે, પરંતુ આ કેચને ટૂર્નામેન્ટનો કેચ કહેવામાં આવે તો ખોટું નહીં હોય. કારણ કે આવો કેચ ભાગ્યે જ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ આ કેચ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને શુભમન ગિલને આ કેચ માટે પ્રશંસા કરી રહ્યા છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ માટે ઉતરેલી લખનઉની ટીમની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી. મેચના પહેલા જ બોલ પર કેપ્ટન કે. એલ રાહુલ આઉટ થયો હતો. મોહમ્મદ શમીએ આ ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને માત્ર 2 રન આપ્યા હતા અને કે. એલ રાહુલ જેવી મહત્વની વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ ક્વિંટન ડિ કોક 7 રન, એવીન લેવીશ 10 રન, મનીષ પાંડે 6 રન બનાવીને ઝડપથી આઉટ થઈ ગયા હતા.
હુડ્ડા અને બડોનીએ બાજી સંભાળીઃ
ત્યાર બાદ રમવા આવેલા દિપક હુડ્ડા અને આયુષ બડોનીએ બાજી સંભાળી હતી અને ટીમને સન્માનજન સ્કોર પર પહોંચાડી હતી. હુડ્ડાએ 41 બોલમાં 55 રન અને પોતાની પ્રથમ આઈપીએલ મેચ રમી રહેલા બડોનીએ 41 બોલમાં 54 રન બનાવ્યા હતા. ત્યાર બાદ કૃણાલ પંડ્યાએ 13 બોલમાં 21 રન કર્યા હતા. આમ લખનઉ સુપર જાયન્ટસની ટીમની ખરાબ શરુઆત બાદ પણ ટીમનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 158 રન પર પહોંચ્યો હતો.