IPL 2022: 'કોફી વિથ કરણ'ના વિવાદ બાદ હાર્દિકે પોતાના કોચને આપેલું વચન પાળ્યું અને જુઓ પરિણામ...
IPL 2022નું ટાઇટલ ગુજરાત ટાઇટન્સે જીતી લીધું છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને પ્રદર્શનની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
GT vs RR: IPL 2022નું ટાઇટલ ગુજરાત ટાઇટન્સે જીતી લીધું છે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ અને પ્રદર્શનની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. જો કે, એક સમય એવો હતો જ્યારે હાર્દિક પંડ્યાના એક નિવેદને તેને મુશ્કેલીમાં મૂકી દીધો હતો. આટલું જ નહીં, તેના નિવેદન પર થયેલા વિવાદ બાદ BCCIએ હાર્દિક પર પ્રતિબંધ પણ લગાવી દીધો હતો. ત્યારપછી હાર્દિકમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે, તે હવે વધુ જવાબદાર બન્યો છે.
મહિલાઓ પર ટિપ્પણી કરી હતીઃ
એકવાર ફિલ્મમેકર કરણ જોહરના શો 'કોફી વિથ કરણ'માં હાર્દિકે આ શો દરમિયાન મહિલાઓ વિશે એવી વાતો કહી હતી, જેને લઈને ઘણો વિવાદ થયો હતો. બીસીસીઆઈએ હાર્દિક પર કેટલીક મેચોનો પ્રતિબંધ પણ મૂક્યો હતો. હાર્દિકનું માનવું છે કે, આ વિવાદે તેને ખૂબ મજબૂત બનાવ્યો હતો. ત્યારપછી તેણે તેના બાળપણના કોચ જિતેન્દ્ર સિંહને વચન આપ્યું હતું કે, આ વિવાદ પછી તેમને હાર્દિક વિશે કંઈપણ નકારાત્મક વાત નહીં સાંભળવી પડે.
બાળપણના કોચે હાર્દિક વિશે વાત કરીઃ
ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં હાર્દિક પંડ્યાના બાળપણના કોચ જિતેન્દ્ર સિંહે કહ્યું કે, કરણ જોહરના શોમાં થયેલા વિવાદ બાદ હાર્દિકે મને વચન આપ્યું હતું કે આ પછી તમે મારા વિશે કોઈ નકારાત્મક વાત સાંભળશો નહીં. તેણે પોતાનું વચન પાળ્યું, આજે તેના પિતાને તેના પર ખૂબ ગર્વ થશે.
IPL ફાઈનલ મેચમાં હાર્દિક ચમક્યોઃ
IPL 2022ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ફાઈનલ મેચમાં હાર્દિકને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.