IPL 2023 Final : ફાઈનલનો એક પણ બોલ ફેંકાય તે પહેલા જ ધોનીને રચી નાખ્યો ઈતિહાસ
મેચ નિહાળવા અને પોતાના ચાહિતા ખેલાડીઓનો જુસ્સો વધારવા હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. સૌકોઈની નજર ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન એમ ધોની પર છે.
Mahendra Singh Dhoni Record : આજે અમદાવાદ ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાવવા જઈ રહી છે. મેચ નિહાળવા અને પોતાના ચાહિતા ખેલાડીઓનો જુસ્સો વધારવા હજારોની સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. સૌકોઈની નજર ચેન્નઈ સુપર કિંગ્સના કપ્તાન એમ ધોની પર છે. એવી આશંકા સેવાઈ રહી છે કે, આઈપીએલની આ સિઝન કદાચ ધોનીની છેલ્લી સિઝન હોઈ શકે છે. પરંતુ આજે ટોસ થતાની સાથે જ ધોનીના નામે એક મહારેકોર્ડ બની ગયો છે.
ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) ગુજરાત ટાઇટન્સ સામેની IPL ફાઇનલ મેચમાં ટોસ માટે ઉતરતાની સાથે જ એક મહાન રેકોર્ડ બનાવ્યો હતો. IPLની 16મી સિઝનની ફાઈનલ મેચ અમદાવાદના પ્રતિષ્ઠિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, જ્યાં ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ધોનીનો સુપર રેકોર્ડ
વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંના એક ધોનીએ IPL-2023ની ફાઈનલ મેચમાં પ્રવેશતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈની ટીમ 10મી વખત IPLની ફાઇનલમાં પહોંચી છે. આ પ્રતિષ્ઠિત T20 લીગની 16મી સિઝનની આ ટાઇટલ મેચ ધોની (MS ધોની)ની કારકિર્દીની 250મી મેચ છે. એમએસ ધોની IPL ઈતિહાસમાં 250 મેચ રમનાર દુનિયાનો એકમાત્ર ખેલાડી બની ગયો છે. CSK સિવાય તે IPLમાં રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS) તરફથી પણ રમી ચૂક્યો છે.
IPLમાં ધોનીના શાનદાર આંકડા
આ મેચ પહેલા ધોનીએ 249 IPL મેચોમાં 217 ઇનિંગ્સમાં 39.09ની એવરેજથી 5,082 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 24 અડધી સદી ફટકારી હતી. તે લીગના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓમાં સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે એમએસ ધોનીએ અત્યાર સુધી 219 મેચોની 190 ઇનિંગ્સમાં 22 અડધી સદીની મદદથી 4508 રન બનાવ્યા છે. જ્યારે રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ માટે ધોનીએ 2016-17 દરમિયાન 30 મેચોમાં 574 રન બનાવ્યા હતાં.
કેપ્ટન તરીકે ધોનીનો રેકોર્ડ
એમએસ ધોનીએ આઈપીએલમાં કેપ્ટન તરીકે 225 મેચ રમી છે, જે આ પ્રતિષ્ઠિત ટી20 લીગના ઈતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા સૌથી વધુ છે. આ મેચોમાં ધોનીએ 132 મેચ જીતી છે અને 91માં હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન તરીકે એમએસ ધોની 4 વખત IPL ટાઇટલ જીતી ચૂક્યા છે. ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નાઈની ટીમ 2010, 2011, 2018 અને 2021માં ચેમ્પિયન બનવામાં સફળ રહી છે.