Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
કેગના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી

Gandhinagar: ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નો કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2023-24ના નાણાંકીય હિસાબો કેગના અહેવાલમાં રજૂ કરવામાં આવતા હોય છે.
કેગના અહેવાલ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં બજારમાંથી 30,500 કરોડની લોન લીધી હતી. વર્ષ દરમિયાન જાહેર દેવામાં 14 હજાર 281 કરોડનો વધારો થયો હતો. કુલ દેવા અને અન્ય જવાબદારી પહોંચી 24 હજાર 534 કરોડ પર પહોંચી ગઇ હતી. જાહેર દેવા સામે વ્યાજ ખર્ચની રકમ 24,473 કરોડ રૂપિયા થઈ હતી. વર્ષ 2023-24માં ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા થયું હતું. ગુજરાતના દેવાની વ્યાજની ચૂકવણી 10.99 ટકા થઈ હતી. GSTના કારણે રાજ્યને આવકના નુકસાન સામે 10 હજાર 693 કરોડનું વળતર મળ્યું હતું. કેન્દ્રની લોન પેટે 22 હજાર 261 કરોડની રકમનો રાજ્ય સરકારે અસ્વીકાર કર્યો હતો. રાજ્ય સરકારનો કુલ મૂડી ખર્ચ 4.35 લાખ કરોડ પર પહોંચ્યો હતો. કેગના રિપોર્ટમાં સરકારના જાહેર દેવા અને લોનના આંકડા બહાર આવ્યા હતા.
કેગના રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારે વર્ષ 2023-24માં 1.33 લાખ કરોડનું રોકાણ કર્યું હતું. વિવિધ સંસ્થામાં રોકાણ સામે 757 કરોડનું લાભ અને વ્યાજ પ્રાપ્ત થયું હતું. સરકારના 7 નિગમોમાં કરેલા 6,461 કરોડના રોકાણ સામે કોઈ લાભ નહીં. સરકારે 65 સરકારી કંપનીઓમાં 1.27 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. રાજ્ય સરકારની કંપનીઓના રોકાણ સામે 714 કરોડ લાભ અને વ્યાજરૂપે મળ્યા હતા.
વર્ષ 2023-24 દરમિયાન રાજ્ય સરકારે 193 કરોડની કરી વધુ ચૂકવણી કરી હતી. રાજ્ય વિધાનમંડળે વિનિયોગ કર્યા હોય તે સિવાય 193 કરોડની વધુની ચૂકવણી કરી હતી. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસને 165 કરોડની વધુ ચૂકવણી કરી હતી. શહેરી વિકાસ વિભાગને 24 કરોડની વધુ ચૂકવણી કરી હતી. માર્ગ અને મકાન વિભાગને 4.60 કરોડની વધુ ચૂકવણી કરાઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેઠા
વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યો ધરણા પર બેઠા હતા. અમિત ચાવડા, શૈલેષ પરમાર, વિમલ ચુડાસમા ધરણા પર બેઠા હતા. ઈમરાન ખેડાવાલા, કિરીટ પટેલ, જિજ્ઞેશ મેવાણી પણ ધરણા પર બેઠા હતા. અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ખનીજ માફિયાઓને લઈ અમિત ચાવડાએ સરકારને આડેહાથ લીધી હતી. ચાવડાએ કહ્યું હતું કે વિમલ ચુડાસમા એ લેખિતમાં અધ્યક્ષને પૂરાવા આપ્યા છતા જવાબ નહી. ધારાસભ્યો વિધાનસભામાં નહી બોલે તો ક્યાં બોલશે? વિમલ ચુડાસમાએ સવાલ કર્યો તો બહાર કાઢી દેવામાં આવ્યા હતા. નિયમોની જોગવાઈ દર્શાવી ધારાસભ્યોને બોલવા દેવામાં આવતા નથી. ખનન માફિયાઓ સામે સરકાર લાચાર છે.
છેવાડા લોકો સુધી આરોગ્ય સુવિધાના સરકારના દાવાની કેગના રિપોર્ટમાં પોલ ખુલી હતી. રાજ્યના જિલ્લા હોસ્પિટલમાં જરૂરિયાત સામે ઓછી પથારીઓ હોવાનો ખુલાસો થયો હતો. આણંદ જિલ્લામાં 456 પથારીની જરૂરિયાત સામે 337 પથારીની ઘટ છે. બોટાદ જિલ્લામાં 43,છોટાઉદેપુર જિલ્લામાં 135 પથારીની ઘટ છે. ગીર સોમનાથ જિલ્લામાં 115,ખેડા જિલ્લામાં 293, મહિસાગર જિલ્લામાં 234,પંચમહાલ જિલ્લામાં 150, પાટણ જિલ્લામાં 144,રાજકોટ જિલ્લામાં 550, સુરેન્દ્રનગર જિલ્લામાં 192,વડોદરા જિલ્લામાં 465 પથારીની ઘટ છે.
ગરીબ અને જરૂરિયાતમંદોને લાભ આપવામાં સરકાર નિષ્ફળ ગયાનો દાવો કેગના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. લાભાર્થીઓના ખાતામાં સીધી સહાય પહોંચાડવાના દાવાની કેગના રિપોર્ટમાં પોલ ખૂલી હતી. NFBS સ્કીમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને લાભ મળ્યો નથી. NFBS સ્કીમમાં 27 હજારથી વધુ લાભાર્થી સહાયથી વંચિત રહ્યાનો કેગના રિપોર્ટમાં ખુલાસો થયો હતો. મામલતદાર અને સમાજ સુરક્ષા અધિકારીઓની બેદરકારીના કારણે સહાય મળી નથી. ભરૂચના ઝઘડિયા તાલુકામાં પાંચ વર્ષમાં 201 લાભાર્થી સહાયથી વંચિત રહ્યા હતા. ડાંગના આહવામાં ત્રણ વર્ષમાં 774 લાભાર્થી સહાયથી વંચિત રહ્યા હતા.

