MS Dhoni in IPL: ધોનીએ સતત 2 છગ્ગા ફટકારીને મેળવી મોટી સિદ્ધી, IPLમાં આ કારનામું કરનારો બન્યો 7મો બેટ્સમેન
ધોની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, જેમાં તેણે પ્રથમ બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને 5000 રનનો આંકડો પાર કર્યો હતો.
IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતાના 5000 રન પૂરા કર્યા. આઈપીએલની 16મી સિઝનમાં ચેન્નાઈના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં આ સ્થાન હાંસલ કર્યું હતું. ધોની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, જેમાં તેણે પ્રથમ બે બોલમાં સતત બે સિક્સર ફટકારીને 5000 રનનો આંકડો પાર કર્યો હતો.
આ સાથે જ મહેન્દ્ર સિંહ ધોની આ સિદ્ધિ મેળવનાર IPL ઈતિહાસનો 7મો ખેલાડી બની ગયો છે, જેના માટે તેણે 208 ઈનિંગ્સ રમી હતી. આ પહેલા આઈપીએલમાં વિરાટ કોહલી, શિખર ધવન, ડેવિડ વોર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના અને એબી ડી વિલિયર્સ આ આંકડો પાર કરી ચૂક્યા છે.
લગભગ 4 વર્ષ પછી, ચેન્નાઈના ચેપોક મેદાન પર બેટિંગ કરવા ઉતરેલા ધોનીએ પોતાની ઈનિંગની શાનદાર શરૂઆત કરી અને માર્ક વુડની બોલ પર વાઈડ થર્ડ મેન તરફ રમતી વખતે સિક્સર ફટકારી. આ પછી તરત જ, ધોનીએ બીજા જ બોલ પર ડીપ સ્ક્વેર લેગ તરફ રમતી વખતે બોલને બાઉન્ડ્રી લાઇનની પાર લઈ જઈને તેના 5000 રન પૂરા કર્યા.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે પણ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી, જેમાં ટીમના ઓપનિંગ બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 110 રનની ઝડપી ભાગીદારી કરીને ટીમ માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો. ચેન્નાઈની ટીમ આ મેચમાં 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 217 રનનો સ્કોર કરવામાં સફળ રહી હતી. આ સાથે ચેન્નાઈ IPL ઈતિહાસમાં સૌથી વધુ વખત 200 રનનો આંકડો પાર કરનારી ટીમ પણ બની ગઈ છે, જેમાં તેણે અત્યાર સુધી 24 વખત આ કારનામું કર્યું છે.
ચેન્નાઈની શાનદાર જીત
ચેન્નાઈ સુપર કિંગ્સ 2019 પછી તેમના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પરત ફર્યા અને શાનદાર જીત મેળવી. છેલ્લી ત્રણ સીઝનમાં ટીમ અહીં કોરોનાવાયરસ મહામારી અને અન્ય કારણોસર રમી શકી ન હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લી 22 મેચોમાંથી 19માં જીત મેળવી છે. તે માત્ર ત્રણ મેચ હારી છે. ચેન્નાઈએ લખનૌને 12 રને હરાવ્યું. આ સિઝનમાં આ તેની પ્રથમ જીત છે. છેલ્લી મેચમાં ચેન્નાઈને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈએ 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 205 રન જ બનાવી શકી હતી.