IPL Media Rights: ડિઝની સ્ટારે 23,575 કરોડ રૂપિયામાં ટીવી રાઇટ્સ જીત્યા, વાયાકોમ 18 એ 20,500 કરોડ રૂપિયામાં ડિજિટલ રાઇટ્સ જીત્યા
આ પહેલા સ્ટારે રૂ. 16,348 કરોડની બોલી લગાવીને ટીવી અને ડિજિટલ બંનેના પ્રસારણ અધિકારો જીત્યા હતા.
IPL Media Rights: IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ના પ્રસારણ અધિકારો માટે, BCCI એ ભારતીય ઉપખંડ માટે ટીવી અને ડિજિટલ અધિકારો વેચ્યા છે. પેકેજ-એ અને પેકેજ-બીની હરાજી પૂર્ણ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, BCCI ભારતીય ઉપ-મહાદ્વીપ માટે ટીવી અને ડિજિટલ અધિકારો દ્વારા 44,075 કરોડ રૂપિયાની મોટી રકમ મેળવવા જઈ રહી છે.
ડિઝની સ્ટારે IPL ટીવી રાઇટ્સ જીત્યા, વાયાકોમ 18 ડિજિટલ રાઇટ્સ જીત્યા
એવું નોંધવામાં આવ્યું છે કે ડિઝની સ્ટારે રૂ. 23,575 કરોડમાં ટીવી પર પ્રસારણના અધિકારો જીત્યા છે અને વાયકોમ 18 એ રૂ. 20,500 કરોડમાં ડિજિટલના અધિકારો જીત્યા છે. જો કે, બીસીસીઆઈએ હજુ સુધી સત્તાવાર રીતે તે કંપનીઓની જાહેરાત કરી નથી કે જેઓ રાઈટ્સ ખરીદશે.
IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ના પ્રસારણ અધિકારો માટે કંપનીઓ વચ્ચે સ્પર્ધા હતી અને IPL અધિકારો માટે Disney+ Hotstar, Viacom18, Sony Pictures, Zee Group, Super Sports, Times Internet, Fun Asia વગેરે સ્પર્ધામાં હતા. દુનિયાની સૌથી ધનિક સ્પોર્ટ્સ સંસ્થા BCCI આ IPL રાઈટ્સ વેચ્યા બાદ વધુ અમીર થવા જઈ રહી છે.
43,255 કરોડની કુલ બોલી
આઈપીએલ રાઈટ્સ માટેના ટીવી પેકેજો રૂ. 23,575 કરોડમાં અને ડિજિટલ પેકેજ રૂ. 20,500 કરોડમાં વેચાયા છે. આ પ્રસારણ અધિકારો આગામી 5 વર્ષ એટલે કે વર્ષ 2023-2027 માટે વેચવામાં આવ્યા છે. આ પહેલા સ્ટારે રૂ. 16,348 કરોડની બોલી લગાવીને ટીવી અને ડિજિટલ બંનેના પ્રસારણ અધિકારો જીત્યા હતા.
4 પેકેજમાં થઈ રહી છે હરાજી
આઈપીએલના પ્રસારણ માટે મીડિયા રાઈટ્સ ઓક્શનમાં કુલ 4 પેકેજ A,B,C,D માટે બોલીઓ લગાવામાં આવી રહી છે. પેકેજ Aમાં ફક્ત ભારતીય ઉપમહાદ્વીપ માટે ટીવી રાઈટ્સ મળશે. જ્યારે પેકેજ Bમાં ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં પ્રસારણ માટે ડિજિટલ રાઈટ્સ મળશે. જ્યારે પેકેજ Cમાં નક્કી કરાયેલી સ્પેશ્યલ મેચો જેવી કે પ્લેઓફના ડિજિટલ રાઈટ્સ મળશે જે ફક્ત ભારતીય ઉપમહાદ્વીપમાં જ પ્રસારણ કરી શકાશે. અંતમાં પેકેજ Dમાં દુનિયાના બાકીના ભાગોમાં પ્રસારણ માટે ટીવી અને ડિજિટલ એમ બંને પ્લેટફોર્મ પર પ્રસારણના રાઈટ્સ કંપનીઓને અપાઈ રહ્યા છે.