Russia and Ukraine War: રશિયાએ જાપાનના PMના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ, કહ્યુ- જાપાનની સરકારે શરૂ કર્યું રશિયા વિરોધી અભિયાન
રશિયાએ બુધવારે જાપાનના વડાપ્રધાન Fumio Kishida સહિત કેટલાક જાપાનના અધિકારીઓના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો
મૉસ્કોઃ રશિયાએ જાપાનના વડાપ્રધાનના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રશિયાએ બુધવારે જાપાનના વડાપ્રધાન Fumio Kishida સહિત કેટલાક જાપાનના અધિકારીઓના રશિયામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. મોસ્કોએ બુધવારે કહ્યું કે આ પગલું રશિયા સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાદવામાં જાપાનની સંડોવણીના જવાબમાં ભરવામાં આવ્યું છે. નોંધનીય છે કે યુક્રેનમાં રશિયાના સૈન્ય ઓપરેશન બાદ અમેરિકા સહિત પશ્વિમી દેશોએ મોસ્કો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે.
રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જાપાનના વડાપ્રધાનના વહીવટીતંત્રે રશિયન વિરોધી ઝુંબેશ શરૂ કરી અને રશિયન ફેડરેશન સામે અસ્વીકાર્ય નિવેદન કરવાની મંજૂરી આપી જેમાં નિંદા અને સીધી ધમકીઓ પણ સામેલ છે.
જાપાનનું વલણ પશ્ચિમી વલણ સાથે જોડાયેલું
મંત્રાલયે જણાવ્યું હતું કે, આ રશિયન વિરોધી ઝુંબેશ જાહેર વ્યક્તિઓ, નિષ્ણાતો, જાપાનના મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા ચલાવવામાં આવી, જેઓ અમારા દેશ પ્રત્યે પશ્ચિમના વલણ સાથે સંપૂર્ણ રીતે જોડાયેલા છે.
રશિયાએ નિવેદનમાં જાપાન પર સારા પાડોશી સંબંધોને નષ્ટ કરવા, રશિયન અર્થતંત્ર અને દેશની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી વ્યવહારિક પગલાં લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે તે રશિયાના વડાપ્રધાન, કેબિનેટ સભ્યો, વકીલો, પત્રકારો અને પ્રોફેસરો સહિત 63 જાપાની નાગરિકો પર "અનિશ્ચિત સમય માટે" પ્રતિબંધ મુક્યો હતો.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે યુક્રેનમાં છ રેલવે સ્ટેશનોને નષ્ટ કરી દીધા હતા. આ સ્ટેશનોનો ઉપયોગ પૂર્વ યુક્રેનમાં યુક્રેનિયન દળોને પશ્ચિમી બનાવટના શસ્ત્રો મોકલવા માટે કરવામાં આવી રહ્યો હતો. મંત્રાલયે કહ્યું કે તેણે રેલ્વે સ્ટેશનો પર બોમ્બ વિસ્ફોટ કરીને તેનો પાવર સપ્લાય બંધ કરી દીધો છે.