વ્યાજ દર વધતા જ સ્ટોક માર્કેટમાં કડાકો, સેન્સેક્સ 1200 પોઈન્ટ ડાઉન, નિફ્ટી 400 પોઈન્ટ ઘટીને 16650 નજીક
વ્યાજ દરમાં વધારા બાદ તમામ સ્ટોકમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 સ્ટોકમાંથી 26 સ્ટોક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
RBI News: RBI ગવર્નર શક્તિકાંત દાસ બપોરે 2 વાગ્યે એક નિવેદન બહાર પાડીને વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ લોનના હપ્તા વધી જશે જેના કારણે આમ આદમીને વધુ એક આંચકો લાગશે.
આરબીઆઈએ રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કર્યો છે. આ સાથે જ રેપો રેટ વધીને 4.40 ટકા થઈ ગયો છે. 2 અને 3 મેના રોજ મોનેટરી પોલિસી કમિટીની ઇમરજન્સી બેઠક મળી હતી જેમાં વ્યાજ દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ કેશ રિઝર્વ રેશિયોમાં પણ 0.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેશ રિઝર્વ રેશિયો વધીને 4.50 ટકા થયો.
આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત બાદ સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 1220 પોઈન્ટનો કડાકો બોલીને 55755 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 410 પોઈન્ટ તૂટીને 16659 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટી બેંક પણ 870 પોઈન્ટ અથવા 2.41 ટકાના કડાકા સાથે 35292 પર ટ્રેડ થઈ રહ્યો છે.
વ્યાજ દરમાં વધારા બાદ તમામ સ્ટોકમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 સ્ટોકમાંથી 26 સ્ટોક ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે પાવરગ્રીડ, કોટક બેંક, એનટીપીસી અને ઇન્ફોસીસનો સ્ટોક વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
વધતી જતી મોંઘવારી ચિંતાનું કારણ બની
હકીકતમાં, મોંઘી ખાદ્ય ચીજવસ્તુઓ અને મોંઘી ચીજવસ્તુઓ અને ઈંધણને કારણે માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર 6.95 ટકા રહ્યો છે. જે આરબીઆઈની 6 ટકાના ટાર્ગેટ કરતાં વધુ છે. એપ્રિલમાં 2022-23 માટે પ્રથમ દ્વિ-માસિક ધિરાણ નીતિ સમીક્ષાની જાહેરાત કરતા, આરબીઆઈ ગવર્નરે પોતે કહ્યું હતું કે કેન્દ્રીય બેંકની પ્રાથમિકતા હવે ફુગાવાને નિયંત્રણમાં રાખવાની રહેશે. RBIના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી છે કે RBI ગવર્નર બપોરે 2 વાગ્યે નિવેદન આપશે.
આરબીઆઈ દ્વારા વ્યાજ દરમાં વધારો કરવાની સીધી અસર લોન લેનારા ગ્રાહકો પર પડશે. સામાન્ય રીતે બેંકો રેપો રેટ પર આરબીઆઈ પાસેથી નાણાં મેળવતી હોય છે. આ કારણે રેપો રેટમાં વધારો થવાથી બેંકોનો નાણાં મેળવવાનો ખર્ચ વધી જશે. આ ખર્ચ વધારાની અસર બેંકો ગ્રાહકો પર નાંખતી હોય છે અને લોનના વ્યાજ દરમાં વધારો કરે છે. રેપો રેટમાં વધારો થવાથી હવે લોન લેવી મોંઘી થશે.