સૂર્યાના નિશાના પર મોટો રેકોર્ડ, 20 રન બનાવતા જ કોહલી-રોહિતના ખાસ ક્લબમાં થશે સામેલ
મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2025માં તેમની પ્રથમ જીતની શોધમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ તેમની પ્રથમ બે મેચ હારી ચૂકી છે અને હવે તેમની નજર તેમની ત્રીજી મેચમાં જીતનું ખાતું ખોલવા પર છે.

મુંબઈ ઈન્ડિયન્સ (MI) IPL 2025માં તેમની પ્રથમ જીતની શોધમાં છે. મુંબઈ ઈન્ડિયન્સ તેમની પ્રથમ બે મેચ હારી ચૂકી છે અને હવે તેમની નજર તેમની ત્રીજી મેચમાં જીતનું ખાતું ખોલવા પર છે. જોકે, મુંબઈ માટે આ એટલું સરળ નહીં હોય કારણ કે આ વખતે ટીમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે થશે.
રોહિત શર્મા મુંબઈ માટે પ્રથમ બે મેચમાં તેના બેટથી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યો નથી, જ્યારે દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન રેયાન રિકલ્ટન, જે પ્રથમ વખત IPL રમી રહ્યો છે, તે ભારતીય પીચો પર તેની લય શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે 48 રન બનાવ્યા બાદ સૂર્યકુમાર યાદવ ફોર્મમાં પાછો ફરતો હોય તેવું લાગી રહ્યું હતું પરંતુ આ ઇનિંગ એવી નહોતી કે જેના માટે ભારતીય T20 કેપ્ટન ઓળખાય છે. હવે MI ચાહકો કોલકાતા સામેની મેચમાં સૂર્યકુમાર પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે. આ મેચમાં સૂર્યા એક વિશાળ રેકોર્ડને પણ નિશાન બનાવશે, જેનાથી તે માત્ર 20 રન દૂર છે.
સૂર્યા ઈતિહાસ રચી શકે છે
વાસ્તવમાં, સૂર્યકુમાર યાદવે T20 ક્રિકેટમાં 311 મેચની 287 ઇનિંગ્સમાં 7980 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 6 સદી અને 54 અડધી સદી ફટકારી છે. જો સૂર્યા કોલકાતા સામે 20 રનના આંકડાને સ્પર્શે છે તો તે T20 ક્રિકેટમાં પોતાના 8000 રન પૂરા કરશે. આમ કરવાથી તે વિશ્વનો 35મો અને ભારતનો માત્ર 5મો બેટ્સમેન બની જશે. અત્યાર સુધી માત્ર વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન અને સુરેશ રૈના જ ટી-20 ક્રિકેટમાં 8000 કે તેથી વધુ રન બનાવવાનું કારનામું કરી શક્યા છે.
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન
વિરાટ કોહલી - 12976
રોહિત શર્મા- 11838
શિખર ધવન - 9797
સુરેશ રૈના - 8654
સૂર્યકુમાર યાદવ - 7980
IPL 2025માં, સૂર્યકુમાર યાદવે CSK સામેની પ્રથમ મેચમાં મુંબઈ માટે 29 રન બનાવ્યા હતા જ્યારે બીજી મેચમાં તે માત્ર 2 રનથી તેની અડધી સદી ચૂકી ગયો હતો. હવે કોલકાતા સામેની ત્રીજી મેચમાં તે મોટો સ્કોર કરવાનો પ્રયાસ કરશે અને મુંબઈને સિઝનની પ્રથમ જીત અપાવશે. આ મેચમાં તેની નજર ટી20 ક્રિકેટમાં 350 સિક્સર પૂરી કરવા પર પણ હશે. આ સ્થાન સુધી પહોંચવા માટે તેને માત્ર 3 છગ્ગાની જરૂર છે. ભારત તરફથી ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી માત્ર બે બેટ્સમેન 350થી વધુ સિક્સર ફટકારવામાં સફળ રહ્યા છે, જેમાં રોહિત શર્મા (525 સિક્સર) પ્રથમ સ્થાને છે જ્યારે વિરાટ કોહલી (420 સિક્સર) બીજા સ્થાને છે.




















