આ દિગ્ગજ ખેલાડીએ નિવૃતિ પાછી ખેંચી લીધી, ટીમ ઇન્ડિયા માટે ફરી મેદાનમાં ઉતરશે
AFC એશિયન કપ ક્વોલિફાયરમાં ટીમ ઇન્ડિયાના હિત માટે 273 દિવસમાં બદલ્યો નિર્ણય, બાંગ્લાદેશ સામે મેચમાં જોવા મળશે એક્શનમાં.

Sunil Chhetri retirement news: ભારતીય ફૂટબોલ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી અને પૂર્વ કેપ્ટન સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિમાંથી પરત ફર્યા છે. તેઓ ટૂંક સમયમાં ટીમ ઇન્ડિયા માટે ફરીથી મેદાનમાં જોવા મળશે. ભારતીય ફૂટબોલ એસોસિએશન દ્વારા ગુરુવારે આ જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુનીલ છેત્રી માર્ચ વિન્ડોમાં રમાનારી મહત્વપૂર્ણ મેચ માટે ટીમમાં જોડાશે.
ગયા વર્ષે સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલને અલવિદા કહ્યું હતું. તેમણે 6 જૂને કુવૈત સામે પોતાની છેલ્લી મેચ રમી હતી, જે વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર મેચ હતી અને 0-0થી ડ્રો રહી હતી. તે સમયે, 40 વર્ષીય છેત્રી ભાવુક વિદાય લેતા જોવા મળ્યા હતા. પરંતુ, માત્ર 273 દિવસ બાદ, તેમણે ફરી એકવાર ભારતીય જર્સી પહેરવાનો નિર્ણય લીધો છે, જે ચાહકો માટે ખુશીના સમાચાર છે.
હાલમાં, 2027માં યોજાનાર AFC એશિયન કપ માટે ક્વોલિફાયર મેચો રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયા માટે આ મહિનાના અંતમાં એક મહત્વપૂર્ણ મેચ બાંગ્લાદેશ સામે 25 માર્ચે શિલોંગમાં રમાવાની છે. આ મેચની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુનીલ છેત્રીએ નિવૃત્તિમાંથી પરત ફરવાનો નિર્ણય લીધો છે. સુનીલ છેત્રી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 94 ગોલ સાથે ભારત માટે સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે અને વિશ્વ ફૂટબોલમાં ચોથા ક્રમે છે. હવે તેમની પાસે પોતાના ગોલના આંકડાને વધુ મજબૂત કરવાની તક છે.
𝐒𝐔𝐍𝐈𝐋 𝐂𝐇𝐇𝐄𝐓𝐑𝐈 𝐈𝐒 𝐁𝐀𝐂𝐊. 🇮🇳
— Indian Football Team (@IndianFootball) March 6, 2025
The captain, leader, legend will return to the Indian national team for the FIFA International Window in March.#IndianFootball ⚽ pic.twitter.com/vzSQo0Ctez
ખાસ વાત એ છે કે સુનીલ છેત્રી નવા કોચ માનોલો માર્ક્વેઝની ટીમમાં પ્રથમ વખત રમતા જોવા મળશે. માર્કેઝને ગયા વર્ષે જ ભારતીય ટીમના નવા કોચ બનાવવામાં આવ્યા હતા. કોચ માર્ક્વેઝે છેત્રીની ગેરહાજરીમાં ટીમમાં અન્ય ફોરવર્ડ વિકલ્પો અજમાવ્યા, પરંતુ તેમને જોઈએ તેવી સફળતા મળી નથી. ટીમ ઈન્ડિયા છેલ્લી 4 મેચોમાં માત્ર 2 ગોલ જ કરી શકી છે. આવી પરિસ્થિતિમાં, કોચ માર્ક્વેઝે ભારતીય ફૂટબોલના સૌથી અનુભવી અને સફળ ખેલાડીને ટીમમાં પાછા લાવવાનો નિર્ણય કર્યો છે.
સુનીલ છેત્રીના પુનરાગમનનું એક મુખ્ય કારણ તેમનું હાલનું ફોર્મ પણ છે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લીધા પછી પણ, તેઓ પોતાની ક્લબ બેંગલુરુ એફસી માટે સતત રમી રહ્યા છે. ઇન્ડિયન સુપર લીગ (ISL)ની વર્તમાન સિઝનમાં તેમણે બેંગલુરુ માટે અત્યાર સુધીમાં 12 ગોલ કર્યા છે, જેમાં કેરળ બ્લાસ્ટર્સ સામેની હેટ્રિક પણ સામેલ છે. આ સિવાય તેમના નામે બે આસિસ્ટ પણ છે, જે દર્શાવે છે કે તેઓ ઉત્તમ ફોર્મમાં છે. આ જ કારણ છે કે કોચ માર્ક્વેઝ અને ભારતીય ફૂટબોલ સંઘે તેમના અનુભવ અને ફોર્મનો લાભ લેવા માટે તેમને ટીમમાં પાછા લાવવાનો નિર્ણય લીધો છે, અને સુનીલ છેત્રીએ પણ ટીમ માટે રમવા માટે સંમતિ દર્શાવી છે.
આ પણ વાંચો....
IND vs NZ ફાઇનલમાં વરસાદ પડે તો ચેમ્પિયન્સ ટ્રોફીનો વિજેતા કોણ હશે? આ રીતે નક્કી થશે વિનર ટીમ





















