ટી-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમમાં આ 15 ખેલાડીનો સમાવેશ ? આ છ ખેલાડીને રખાયા રીઝર્વમાં ?
આગામી 24 થી 48 કલાકની અંદર જાહેરાત થઇ શકે છે. જાણો આ ટીમમાં કોને કોને સામેલ કરવામા આવ્યા છે ને કોને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરાયા છે.
નવી દિલ્હીઃ આઇસીસીની મોટી ક્રિકેટ ઇવેન્ટ આગામી સમયમાં શરૂ થવા જઇ રહી છે, ત્યારે દરેક દેશ પોતાની બેસ્ટ ક્રિકેટ ટીમની પસંદગી કરી રહ્યો છે. પાકિસ્તાને અગાઉથી ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બીસીસીઆઇએ હજુ સુધી જાહેરાત કરી નથી. રિપોર્ટ છે કે ટીમ ઇન્ડિયાના 15 સભ્યોની પસંદગી થઇ ચૂકી છે, અને આગામી 24 થી 48 કલાકની અંદર જાહેરાત થઇ શકે છે. જાણો આ ટીમમાં કોને કોને સામેલ કરવામા આવ્યા છે ને કોને રિઝર્વ ખેલાડી તરીકે પસંદ કરાયા છે.
બીસીસીઆઇના એક ઉચ્ચ અધિકારીએ ઇનસાઇસ્પૉર્ટને પુષ્ટી કરી છે કે, ચેતન શર્માની આગેવાની વાળી પસંદગી સમિતિએ 15 સભ્યોની ભારતીય ટીમ પર ફેંસલો કરી લીધો છે. પસંદગીકારો પહેલા જ કેપ્ટન વિરાટ કોહલી અને કૉચ રવિ શાસ્ત્રી બન્નેને મળી ચૂક્યા છે, અને તેમના ઇનપુટ લઇ ચૂક્યા છે. તે અધિકારીઓએ એ વાત પર પુષ્ટી કરી છે કે પસંદગી થયેલી ટીમની જાહેરાત સોમવારે કે પછી મંગળવાર થઇ શકે છે.
ભારતની સંભવિત 15 સભ્યોની ટીમ-
કેએલ રાહુલ, રોહિત શર્મા (ઉપકેપ્ટન), વિરાટ કોહલી (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, દીપક ચાહર, યુજવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (વિકેટકીપર), ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા.
રિઝર્વ રાખવામાં આવેલા ખેલાડીઓ-
રવિચંદ્રન અશ્વિન, વરુણ ચક્રવર્તી, પૃથ્વી શૉ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, શિખર ધવન, મોહમ્મદ સિરાજ.
ખાસ વાત છે કે, ઓગસ્ટ મહિનામાં એ નક્કી થઇ ગયુ હતુ કે આગામી ટી20 વર્લ્ડકપ 2021 માટે ભારતીય ટીમની જાહેરાત ચોથી ટેસ્ટ બાદ થશે. સુત્રોના અનુસાર, કેપ્ટન વિરાટે કોહલી અને પસંદગી સમિતિએ ટીમની પસંદગી વિશે ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ પહેલા એક વર્ચ્યૂઅલ ચર્ચા કરી હતી અને તે બેઠક દરમિયાન ટીમનો ફેંસલો કર્યો હતો. આ ઉપરાંત સુત્રએ કહ્યું કે, ભારતની પાસે પહેલાથી જ એક નિર્ધારિત ટી20 છે, અને ચર્ચા માત્ર કેટલાક ખેલાડીઓને લઇને હતી.
ઉલ્લેખનીય છે કે, આઇસીસીએ તમામ ટીમોને 10 સપ્ટેમ્બર સુધી પોતાની સ્ક્વૉડ જાહેરાત કરવા માટે કહ્યું છે. આઇસીસી માત્ર 15 ખેલાડીઓનો જ ખર્ચ ઉઠાવશે અને અન્ય ખેલાડીઓનો ખર્ચ તે બોર્ડે ઉઠાવવો પડશે. આવામાં ટી20 વર્લ્ડકપ 2021 માટે બીસીસીઆઇ 20 સભ્યોની ટીમની જાહેરાત કરી શકે છે. આમાં પાંચ ખેલાડીઓને રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.