Lockdownના બ્રેકથી ખેલાડીઓને મદદ મળશે, Coronaથી ગભરાઈ ગઈ હતી ટીમ ઈન્ડિયાઃ રવિ શાસ્ત્રી
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, 21 દિવસના લોકડાઉનના બ્રેકથી ખેલાડીઓને ઘણી મદદ મળશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટ સહિત સ્પોર્ટ્સ વર્લ્ડની અનેક ઈવેન્ટ રદ્દ કરી દેવામાં આવી છે. 21 દિવસના લોકડાઉન દરમિયાન ક્રિકેટરો વિવિધ પ્રવૃત્તિ કરીને સમય પસાર કરી રહ્યા છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, 21 દિવસના લોકડાઉનના બ્રેકથી ખેલાડીઓને ઘણી મદદ મળશે. જેના કારણે તેઓ પૂરી એનર્જી સાથે મેદાન પર વાપસી કરશે.
શાસ્ત્રીએ કહ્યું, અનેક ખેલાડી સતત ત્રણેય ફોર્મેટમાં રમતા હતા. આ સ્થિતિમાં તેમના પર કેટલું દબાણ હોય તે સમજી શકાય છે. ઈંગ્લેન્ડ બાદ સીધા વેસ્ટ ઈન્ડિઝ ગયા અને બાદમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત આવી. જે બાદ અમે ન્યૂઝીલેન્ડ ગયા, આ સ્થિતિમાં કેટલાક ખેલાડીઓને આરામ નહોતો મળતો.
21 દિવસના લોકડાઉન પર શાસ્ત્રીએ કહ્યું, આ મારા માટે ઝટકા સમાન હતું. કારણકે દક્ષિણ આફ્રિકા સીરિઝ દરમિયાન ખબર હતી કે આ વાયરસ હવે ઝડપથી ફેલાવાનો છે. આ સ્થિતિમાં જ્યારે સીરિઝ રદ્દ કરવામાં આવી ત્યારે વિશ્વાસ થઈ ગયો હતો કે હવે બધુ બંધ થવાનું છે.
શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને ન્યૂઝીલેન્ડથી આવતા હતા ત્યારે ફ્લાઇટ સિંગાપુર થઈને આવી હોવાથી વાયરસની બીક લાગી ગઈ હતી.