અનંત-રાધિકાના લગ્નની ખુશીમાં jio યૂઝર્સને મળી રહ્યું છે 3 મહિનાનું ફ્રી રિચાર્જ ? જાણો સત્ય
આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ જિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે જિયો યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યું છે.
Anant Ambani Radhika Merchant Wedding: ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ જિયો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે જિયો યુઝર્સને 3 મહિનાનું ફ્રી રિચાર્જ આપી રહ્યું છે. આ વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે Jio યુઝર્સને ત્રણ મહિના માટે ફ્રી રિચાર્જ પ્લાન ખરીદવા માટે એક લિંક પર ટેપ કરવું પડશે. જો કે, આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે અને તેનાથી છેતરપિંડીનું જોખમ વધી ગયું છે.
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ અનુસાર, ટેલિકોમ કંપનીએ પુષ્ટિ કરી છે કે તે વપરાશકર્તાઓને કોઈ ફ્રી રિચાર્જ પ્લાન ઓફર કરી રહી નથી અને આવા સંદેશાઓ પર વિશ્વાસ ન કરવો જોઈએ. કંપનીએ એમ પણ કહ્યું છે કે આવા મેસેજના કારણે યુઝર્સ મોટા કૌભાંડમાં ફસાઈ શકે છે.
આ ફેક મેસેજ વાયરલ થઈ રહ્યો છે
આ વાયરલ મેસેજમાં લખ્યું છે - "12મી જુલાઈના રોજ અનંત અંબાણીના લગ્ન પ્રસંગે મુકેશ અંબાણી ભારતના તમામ Jio યુઝર્સને 3 મહિનાનું 799 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે. તો હવે તમારો રિચાર્જ નંબર રજીસ્ટર કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો. " તમને જણાવી દઈએ કે તેમાં મહા કેશબેક નામની અજાણી સાઈટની લિંક પણ આપવામાં આવી છે.
આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Jio યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ પહેલા આવા મેસેજ વેરીફાઈ કરે. ઉપરાંત, ફક્ત MyJio એપ અથવા ફોનપે અને ગૂગલ પે દ્વારા જ રિચાર્જ કરો. જો કંપનીએ 3 મહિનાનો ફ્રી રિચાર્જ પ્લાન ઓફર કર્યો હોત, તો તેણે તેની સત્તાવાર જાહેરાત કરી હોત. Jio એ હજુ સુધી આવી કોઈ જાહેરાત કરી નથી. યુઝર્સે આવા ફ્રોડ મેસેજથી બચવું જોઈએ.
Jio એ હવે પોતાના રિચાર્જ પ્લાનની કિંમતો વધારીને યુઝર્સના ટેન્શનમાં વધારો કર્યો છે. Jioના પ્લાનની વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે. વોડાફોન, એરટેલે પણ પોતાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર લોકો રિચાર્જમાં થયેલા ભાવ વધારા અંગે ચર્ચાઓ કરી રહ્યા છે. લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે.