Apple એ છેલ્લી ઘડીએ કરી દીધો ખેલઃ અમેરિકાથી અલગ આઇફોન મૉડલ ભારતમાં કર્યુ લૉન્ચ, જાણો અંતર
એપલે યુએસ આઇફોન મોડેલોમાં મોટી બેટરી પાછળનું કારણ સમજાવ્યું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે યુએસ મોડેલો ફક્ત ઇ-સિમ સપોર્ટ સાથે આવશે

એપલે આઇફોન 17 સિરીઝમાં મોટી બેટરી અને અન્ય સુવિધાઓ આપી છે. આ સિરીઝનું વેચાણ શરૂ થઇ ગયુ છે. એપલના સીઈઓ ટિમ કૂકે પણ લોન્ચ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે. વેચાણમાં આવેલા આઇફોન અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. આ મુજબ, યુએસમાં વેચાતા આઇફોન 17 સિરીઝના પ્રો મોડેલો ભારતીય મોડેલોથી અલગ છે, જેમાં બેટરી લાઇફમાં નોંધપાત્ર તફાવત છે.
શું ફરક પડશે ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકામાં વેચાતા iPhone 17 સિરીઝના મોડેલોમાં મોટી બેટરી છે. તેની સરખામણીમાં, ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ વેરિયન્ટ્સ નાની બેટરીઓ સાથે આવશે. અમેરિકામાં 17 Pro મોડેલની બેટરી 30 કલાકના વિડિયો સ્ટ્રીમિંગ અને 33 કલાકના સ્થાનિક વિડિયો પ્લેબેકને સપોર્ટ કરશે, જ્યારે ભારતીય વેરિયન્ટ્સ 28 કલાકના વિડિયો સ્ટ્રીમિંગ અને 31 કલાકના સ્થાનિક વિડિયો પ્લેબેક ઓફર કરશે.
બેટરી ક્ષમતામાં આટલો તફાવત કેમ ?
એપલે યુએસ આઇફોન મોડેલોમાં મોટી બેટરી પાછળનું કારણ સમજાવ્યું નથી. જોકે, એવું માનવામાં આવે છે કે યુએસ મોડેલો ફક્ત ઇ-સિમ સપોર્ટ સાથે આવશે, જ્યારે ભારત સહિત અન્ય દેશોમાં વેચાતા આઇફોન મોડેલોમાં ભૌતિક સિમ કાર્ડ સ્લોટ પણ હશે. આ બેટરી ક્ષમતામાં થોડો તફાવત હોવાનું કારણ બની શકે છે.
iPhone 17 લાઇનઅપની બેટરી
iPhone 17 માં 3,692 mAh બેટરી છે, જે iPhone 16 કરતા 3.7 ટકા મોટી છે. iPhone Air માં 3,149 mAh બેટરી છે, જે 22 કલાકનો વિડિયો સ્ટ્રીમિંગ અને 27 કલાકનો વિડિયો પ્લેબેક પ્રદાન કરે છે. Pro મોડેલોની વાત કરીએ તો, 17 Pro 4,252 mAh બેટરી સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ બેટરી iPhone 16 Pro કરતા લગભગ 19 ટકા મોટી છે. iPhone 17 Pro Max માં લાઇનઅપમાં સૌથી મોટી બેટરી (5,088 mAh) આવે છે, જે 16 Pro Max કરતા લગભગ 9 ટકા મોટી છે.





















